News of Friday, 13th February 2026
સનાતન ધર્મમાં નવો ઇતિહાસ: હવે કિન્નર સમુદાયના પોતાના અલગ 'શંકરાચાર્ય' હશે! 'કિન્નર જિહાદ' અને ધર્માંતરણ રોકવા માટે અખાડાનો મોટો નિર્ણય
મહાશિવરાત્રિના પવિત્ર પર્વે થશે મહામંડલેશ્વર અને મહંતોની સત્તાવાર જાહેરાત; ભોપાલમાં ૨૫૦ કિન્નરો હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરશે, ઋષિ અજય દાસની ગંભીર જાહેરાત

નવી દિલ્હી:ભારતીય અધ્યાત્મ અને સનાતન પરંપરામાં એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. દેશમાં પ્રથમ વખત કિન્નર સમુદાય પોતાના અલગ 'શંકરાચાર્ય'ની નિમણૂક કરવા જઈ રહ્યો છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે આજે આ ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સમુદાયમાં વધી રહેલા ધર્માંતરણના ખતરા અને 'કિન્નર જિહાદ' જેવી પ્રવૃત્તિઓ સામે રક્ષણ મેળવવા માટે આ પગલું ભરવું અનિવાર્ય બન્યું છે.
ઋષિ અજય દાસે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કિન્નર સમુદાયના ભોળા લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. આ જોખમ સામે લડવા માટે સમુદાયને એક મજબૂત ધાર્મિક નેતૃત્વની જરૂર છે. આગામી મહાશિવરાત્રિના દિવસે કિન્નર સમુદાયના પોતાના 'શંકરાચાર્ય', 'મહામંડલેશ્વર' અને 'મહંતો' જાહેર કરવામાં આવશે, જેઓ સનાતન ધર્મની રક્ષા અને પ્રચારનું કાર્ય સંભાળશે.
આ જાહેરાતના ભાગરૂપે આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં અંદાજે ૨૫૦ જેટલા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ ફરીથી સનાતન હિન્દુ ધર્મમાં વાપસી કરશે.
આ પહેલનો હેતુ કિન્નર સમુદાયને તેમની પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ પાછી અપાવવાનો છે.
કિન્નર અખાડો અગાઉ પણ કુંભ મેળા દરમિયાન પોતાની ઉપસ્થિતિ અને ભક્તિ દ્વારા ચર્ચામાં રહ્યો છે. હવે પોતાના શંકરાચાર્યની નિમણૂક કરીને આ સમુદાય ધાર્મિક વંશવેલામાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા માંગે છે. આ નિર્ણયથી કિન્નર સમુદાયમાં ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ ધાર્મિક જગતમાં પણ આ ક્રાંતિકારી પગલાની વ્યાપક ચર્ચા થઈ રહી છે. મહાશિવરાત્રિ પર જ્યારે સમગ્ર દેશ શિવમય હશે, ત્યારે કિન્નર સમુદાયના આ નવા ધાર્મિક નેતૃત્વનું અનાવરણ સનાતન પરંપરામાં એક નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
