News of Saturday, 14th February 2026
અમેરિકામાં પોલીસ કારની ટક્કરે જીવ ગુમાવનાર ભારતીય વિદ્યાર્થિની જ્હાનવીના પરિવાર માટે બેવડો આઘાત
૨૬૨ કરોડના વળતરની જાહેરાત પહેલા જ પિતાનું હાર્ટ એટેકથી નિધન: ભારે કરુણા

કર્નૂલ (આંધ્રપ્રદેશ): અમેરિકાના સિએટલમાં જાન્યુઆરી ૨૦૨૩માં એક સ્પીડમાં આવતી પોલીસ કારની અડફેટે મોતને ભેટનાર ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થિની જ્હાનવી કંડુલાના પરિવાર પર ફરી એકવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
લાંબી કાનૂની લડત બાદ અમેરિકાની સિએટલ સિટી કાઉન્સિલ દ્વારા ૨૯ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૨૬૨ કરોડ રૂપિયાના વળતર (સેટલમેન્ટ)ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ ઐતિહાસિક જાહેરાતના માત્ર બે દિવસ પહેલા જ્હાનવીના પિતા કંડુલા શ્રીકાંતનું હાર્ટ એટેકથી કરુણ નિધન થયું છે.
જાહેરાતના ૪૮ કલાક પહેલા જ પિતાએ અંતિમ શ્વાસ લીધા: જ્હાનવીના પિતા કંડુલા શ્રીકાંત, જેઓ નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ હતા, તેઓનું ગત ૧૦ ફેબ્રુઆરીના રોજ આંધ્રપ્રદેશના કર્નૂલ જિલ્લામાં હાર્ટ એટેક આવવાથી અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર બુધવારે અડોની ખાતે કરવામાં આવ્યા હતા.
આ કરુણતા એ છે કે જે વળતર માટે તેઓ લાંબા સમયથી લડી રહ્યા હતા, તેની સત્તાવાર જાહેરાત ૧૨ ફેબ્રુઆરીના રોજ થઈ હતી. એટલે કે, વળતરની જાહેરાતના માત્ર ૪૮ કલાક પહેલા જ તેઓએ દુનિયા છોડી દીધી હતી.
શું હતી સમગ્ર ઘટના?
૨૩ જાન્યુઆરી, ૨૦૨૩: જ્હાનવી કંડુલા અમેરિકાના સિએટલમાં રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે ઓફિસર કેવિન ડેવની તેજ ગતિએ આવતી પોલીસ કારે તેને ટક્કર મારી હતી.
ઝડપનો કહેર: તપાસમાં જાણવા મળ્યું હતું કે જે રસ્તા પર સ્પીડ લિમિટ માત્ર ૨૫ માઈલ પ્રતિ કલાક (૪૦ કિમી/કલાક) હતી, ત્યાં પોલીસ અધિકારી ૭૪ માઈલ પ્રતિ કલાક (૧૧૯ કિમી/કલાક)ની ઝડપે કાર ચલાવી રહ્યા હતા.
માનવતા નેવે મૂકાઈ: આ ઘટના બાદ પોલીસ ઓફિસર ડેનિયલ ઓડરરના બોડીકેમ ફૂટેજ વાયરલ થયા હતા, જેમાં તેઓ જ્હાનવીના મોત પર હસતા અને તેના જીવનની "મર્યાદિત કિંમત" હોવાની નિર્લજ્જ ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. આ ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
પરિવાર માટે ન્યાય અધૂરો: જ્હાનવીના માતા વિજયા લક્ષ્મીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "વળતર કદાચ આર્થિક મદદ કરી શકે, પરંતુ તે મારી દીકરીને પાછી લાવી શકશે નહીં. જે પોલીસ અધિકારીના કારણે આ અકસ્માત થયો તેને હજુ સુધી પૂરતી સજા મળી નથી." ઉલ્લેખનીય છે કે જ્હાનવી નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરતી હતી અને ડિસેમ્બર 2023માં તેની ડિગ્રી પૂર્ણ થવાની હતી.
પરિવાર હાલમાં પિતા અને પુત્રી બંનેના ગુમાવવાના શોકમાં ડૂબેલું છે. સગાઓનું કહેવું છે કે વળતરના પૈસા વિશે વાત કરવાનો આ યોગ્ય સમય નથી કારણ કે પરિવારે પોતાનો આધાર સ્તંભ ગુમાવ્યો છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
