News of Friday, 13th February 2026
બાંગ્લાદેશ ચૂંટણી ૨૦૨૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ BNP ચીફ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન : બાંગ્લાદેશીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવા ભારત આપશે સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી
BNPના પ્રચંડ વિજય બાદ વડાપ્રધાન મોદીએ ‘X’ પર પોસ્ટ કરી તારિક રહેમાનના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો : બાંગ્લાદેશમાં લોકશાહી અને સર્વસમાવેશક વિકાસ માટે ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં યોજાયેલી ૧૩મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ મેળવેલા ભવ્ય વિજય બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૩ ફેબ્રુઆરીના રોજ BNP ચીફ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને આ ઐતિહાસિક વિજય બદલ તેમને અભિનંદન પાઠવીને બાંગ્લાદેશની જનતાની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં ભારતના મજબૂત સમર્થનની ખાતરી આપી હતી.
વડાપ્રધાન મોદીનો શુભેચ્છા સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “તારિક રહેમાન સાથે વાત કરીને મને ખૂબ આનંદ થયો. બાંગ્લાદેશની ચૂંટણીમાં શાનદાર જીત મેળવવા બદલ મેં તેમને અભિનંદન પાઠવ્યા છે. બાંગ્લાદેશના લોકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટેના તેમના પ્રયાસોમાં મેં મારી શુભેચ્છાઓ અને સમર્થન વ્યક્ત કર્યું છે. ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવતા બે નજીકના પડોશીઓ તરીકે, મેં બંને દેશોના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતની સતત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ નિર્ણાયક વિજય બાંગ્લાદેશની જનતાનો તારિક રહેમાનના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવે છે. ભારત હંમેશા લોકશાહી, પ્રગતિશીલ અને સર્વસમાવેશક બાંગ્લાદેશના સમર્થનમાં અડગ રહેશે.
ચૂંટણી પરિણામોનું ચિત્ર
બાંગ્લાદેશની ૧૩મી સંસદીય ચૂંટણીના તાજેતરના વલણો મુજબ BNP એ લેન્ડસ્લાઇડ વિજય મેળવ્યો છે:
* BNP: ૨૧૩ બેઠકો
* જમાત અને સાથી પક્ષો: ૭૧ બેઠકો
* ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશ: ૦૧ બેઠક
* અન્ય: ૦૬ બેઠકો
આ ચૂંટણી મુખ્યત્વે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેના ભૂતપૂર્વ સાથી પક્ષ જમાત-એ-ઇસ્લામી વચ્ચેનો જંગ બની રહી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ પાર્ટી આ ચૂંટણીમાં સામેલ નહોતી કારણ કે પક્ષનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશોના બહુપક્ષીય સંબંધો મજબૂત બનશે અને સહિયારા વિકાસના લક્ષ્યો સિદ્ધ થશે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
