તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 14th February 2026
રેસ્ટોરન્ટ અથવા હોટેલના બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરવો ગેરકાયદેસર
આ ગેરકાયદેસર ચાર્જ તમે તો નથી ચૂકવી રહ્યા ને? : CCPA એ દેશભરમાં ૨૭ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરી છે, જેમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ ની કલમ ૨(૪૭) હેઠળ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ : આ કાર્યવાહી રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન (NCH) પર મળેલી ફરિયાદોના આધારે કરવામાં આવી હતી.

નવી દિલ્હી,તા.૧૪: ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે રેસ્ટોરન્ટ અથવા હોટેલના બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરવો ગેરકાયદેસર છે. સરકારે જણાવ્યું હતું કે આ ગ્રાહક કાયદાની વિરુદ્ધ છે અને તેને Unfair trade practices માનવામાં આવે છે. આ નિર્ણય ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ હેઠળ લેવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ જણાવ્યું છે કે રેસ્ટોરન્ટ અથવા હોટેલ બિલમાં આપમેળે અથવા ડિફોલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરી શકાતો નથી. તે અન્ય કોઈ નામથી પણ વસૂલ કરી શકાતો નથી. જો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવે છે, તો તેને સ્વૈચ્છિક અને વૈકલ્પિક તરીકે સ્પષ્ટપણે જણાવવું આવશ્યક છે. CCPA એ એમ પણ જણાવ્યું હતું કે ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે દબાણ કરી શકાતું નથી. જો કોઈ ગ્રાહક સર્વિસ ચાર્જ ચૂકવવાનો ઇનકાર કરે છે, તો રેસ્ટોરન્ટ તેમને સર્વિસ આપવાનો ઇનકાર કરી શકતું નથી. બિલમાં ઉમેરીને સર્વિસ ચાર્જ પર GST વસૂલ કરી શકાતો નથી.
૨૮ માર્ચ, ૨૦૨૫ ના રોજ, દિલ્હી હાઈ કોર્ટે CCPA માર્ગદર્શિકાને સમર્થન આપ્યું. કોર્ટે જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટ દ્વારા ફરજિયાત સર્વિસ ચાર્જ ગેરકાયદેસર છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તમામ રેસ્ટોરન્ટએ CCPA નિયમોનું પાલન કરવું જોઈએ અને CCPA પાસે કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
રેસ્ટોરન્ટ્સ બિલમાં કોઈપણ સર્વિસ ચાર્જ ઉમેરી શકતું નથી.
સર્વિસ ચાર્જ અન્ય કોઈ નામે વસૂલ કરી શકાતો નથી.
ગ્રાહકોને સ્પષ્ટપણે જાણ કરવી જોઈએ કે સર્વિસ ચાર્જ ચૂકવવો સ્વૈચ્છિક છે.
સર્વિસ ચાર્જ ન ચૂકવવા બદલ ગ્રાહકને સર્વિસ અથવા પ્રવેશ નકારી શકાય નહીં.
બિલમાં ઉમેરીને સર્વિસ ચાર્જ પર GST લાદી શકાતો નથી.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અનુસાર, ફરજિયાત સર્વિસ ચાર્જ લાદવો એ ગ્રાહક કાયદાનું ઉલ્લંઘન છે અને રૂ.૫૦,૦૦૦ સુધીના દંડને પાત્ર છે.
CCPA એ દેશભરમાં ૨૭ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરી છે, જેમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ ની કલમ ૨(૪૭) હેઠળ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહી રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન (NCH) પર મળેલી ફરિયાદોના આધારે કરવામાં આવી હતી. ગ્રાહકોએ તેમના બિલની કોપી સબમિટ કરી હતી, જે દર્શાવે છે કે તેમની પાસેથી બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. પટનામાં કેફે બ્લુ બોટલ અને મુંબઈમાં ચાઇના ગેટ રેસ્ટોરન્ટ પર અનુક્રમે રૂ.૩૦,૦૦૦ અને રૂ. ૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બોરા બોરા સહિત અન્ય રેસ્ટોરન્ટને પણ રૂ. ૩૦,૦૦૦ અને રૂ. ૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમને ગ્રાહકોને રિફંડ આપવા, આ બાબત તાત્કાલિક બંધ કરવા અને તેમની બિલિગ સિસ્ટમ બદલવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.(૪૦.૧૭)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
