<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ચક દે ઈન્‍ડીયા... ભારતીય સૈન્‍યની અજોડ સિધ્‍ધીઃ ચીન સરહદે ઉતર્યુ પીએમનું વિમાનઃ ડ્રેગન બેચેન

આસામમાં હાઈવે પર ઈમરજન્‍સી રન-વેઃ હાઈવે એરસ્‍ટ્રીપ પર ઉતર્યુ વડાપ્રધાન મોદીનું વિમાનઃ ભારતની સર્વપ્રથમ ઈમરજન્‍સી લેન્‍ડીંગ સુવિધા-SELF નું ઉદઘાટન : ઐતિહાસિક પળઃ કોઈ હાઈવે પર ઉતર્યુ હોય પીએમનું વિમાન એ પહેલી ઘટના

 

દિબ્રુગઢ/મોરન, તા.૧૪: આસામના આંગણે આજે એક નવો ઈતિહાસ રચાયો છે. પૂર્વોત્તર ભારતના વ્‍યૂહાત્‍મક મહત્‍વને વધારતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ દિબ્રુગઢ જિલ્લાના મોરન બાયપાસ પર ભારતની અત્‍યંત આધુનિક ઇમરજન્‍સી લેન્‍ડિંગ સુવિધા સમર્પિત કરી. સામાન્‍ય રીતે વાહનોની અવરજવર માટે વપરાતા હાઈવે પર જ્‍યારે વાયુસેનાનું વિશાળકાય C-૧૩૦ સુપર હરકયુલસ વિમાન પીએમ મોદીને લઈને ઉતર્યું, ત્‍યારે આખું આસામ ગૌરવવંતુ બન્‍યું હતું. આ સાથે જ આસામ પૂર્વોત્તરનું એવું પ્રથમ રાજ્‍ય બની ગયું છે જ્‍યાં હાઈવે પર વિમાન ઉતારવાની ક્ષમતા વિકસાવવામાં આવી છે. આ લેન્‍ડિંગ માત્ર મુસાફરીનો ભાગ નહોતું, પરંતુ પડોશી દેશો માટે એક સ્‍પષ્ટ સંકેત હતો કે ભારત હવે ગમે તેવા કપરા સંજોગોમાં પણ પોતાની સરહદોની રક્ષા કરવા માટે સક્ષમ અને સજ્જ છે. આ એરસ્‍ટ્રીપની વિશેષતા એ છે કે તે અત્‍યાધુનિક ડ્રેનેજ સિસ્‍ટમ અને મજબૂત રનવેથી સજ્જ છે, જે યુદ્ધ જેવી કટોકટીમાં ફાઈટર જેટ્‍સ અને મોટા ટ્રાન્‍સપોર્ટ એરક્રાફ્‌ટને કોઈ પણ અડચણ વગર ઉતારવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ પોતે આ પ્‍લેટફોર્મનો ઉપયોગ કરીને ભારતીય વાયુસેનાના આત્‍મવિશ્વાસમાં અનેકગણો વધારો કર્યો છે.

પીએમ મોદીએ લગભગ ૪૦ મિનિટ સુધી વાયુસેનાના સાહસિક કરતબો નિહાળ્‍યા હતા, જેમાં સૈનિકોએ ટચ-એન્‍ડ-ગો ડ્રીલ અને એર-ટુ-એર ફોર્મેશન દ્વારા પોતાની તાકાત બતાવી હતી. આ પ્રોજેક્‍ટ કેન્‍દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય અને ભારતીય વાયુસેનાના સંયુક્‍ત વિઝનનું પરિણામ છે, જેનો ઉદ્દેશ્‍ય પૂર્વોત્તર ભારતમાં સૈન્‍ય હિલચાલને વધુ વેગ આપવાનો અને જરૂર પડ્‍યે નાગરિકોને ઝડપી મદદ પહોંચાડવાનો છે.

આ કાર્યક્રમ દ્વારા ભારતે વિશ્વ મંચ પર પોતાની વધતી જતી સૈન્‍ય ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. પીએમ મોદીએ આ મુલાકાત દરમિયાન માત્ર સંરક્ષણ જ નહીં, પણ આસામના વિકાસ માટે રૂ.૫,૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્‍ટ્‍સનું લોકાર્પણ પણ કર્યું, જેમાં અનેક પુલ અને આરોગ્‍ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

નેશનલ હાઈવે-૧૨૭ પર તૈયાર કરવામાં આવેલી આ ૪.૪ કિલોમીટર લાંબી એરસ્‍ટ્રીપ માત્ર રસ્‍તો નથી, પણ જરૂરિયાતના સમયે વાયુસેના માટે એક મજબૂત કિલ્લો છે. આ સુવિધાને ડ્‍યુઅલ-યુઝ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર તરીકે વિકસાવવામાં આવી છે, જે ૪૦ ટન સુધીના ફાઈટર જેટ્‍સ અને ૭૪ ટન સુધીના ટ્રાન્‍સપોર્ટ એરક્રાફ્‌ટનું વજન સહન કરી શકે છે. ઉદ્ધાટન સમયે પીએમ મોદીની હાજરીમાં રાફેલ અને સુખોઈ-૩૦ જેવા લડાયક વિમાનોએ ટચ-એન્‍ડ-ગો ડ્રીલ કરી પોતાની તાકાત બતાવી હતી. આ દ્રશ્‍યો જોઈને સરહદ પાર દુશ્‍મનોને પણ ભારતની વધતી જતી સૈન્‍ય સજ્જતાનો કડક સંદેશ મળ્‍યો છે.

આ પ્રોજેક્‍ટનું મહત્‍વ એટલા માટે પણ વધારે છે કારણ કે તે ચીન સરહદથી ખૂબ જ નજીક સ્‍થિત છે. યુદ્ધ જેવી સ્‍થિતિમાં જો મુખ્‍ય એરફિલ્‍ડ પર હુમલો થાય, તો આ ELF વૈકલ્‍પિક રનવે તરીકે સેનાને મોટી મદદ કરશે. આ ઉપરાંત, પૂર્વોત્તરમાં આવતી કુદરતી આફતો સમયે રાહત અને બચાવ કાર્ય માટે મોટા માલવાહક વિમાનો સીધા જ પ્રભાવિત વિસ્‍તારોની નજીક ઉતરી શકશે. કેન્‍દ્ર સરકાર અને ભારતીય વાયુસેનાના સંયુક્‍ત પ્રયાસથી બનેલી આ સુવિધા દેશભરમાં આયોજિત ૨૮ આવી એરસ્‍ટ્રીપ્‍સનો એક મહત્‍વનો ભાગ છે.

આ મુલાકાત દરમિયાન તેમણે આસામ માટે રૂ.૫,૪૫૦ કરોડ થી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સની ભેટ પણ આપી હતી, જેમાં ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડતો ભવ્‍ય કુમાર ભાસ્‍કર વર્મા સેતુ મુખ્‍ય આકર્ષણ છે. આ કાર્યક્રમ માત્ર રસ્‍તાના ઉદ્ધાટનનો નહોતો, પરંતુ પૂર્વોત્તર ભારતની સુરક્ષા અને પ્રગતિના નવા અધ્‍યાયની શરૂઆત સમાન હતો. (રર.૧૭)

(2:53 PM IST)