<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ઇન્‍સ્‍ટાગ્રામ લવ ટુ મર્ડરઃ પરિણીત પ્રેમીએ પ્રેમિકાને મારીને સેપ્‍ટિક ટાંકીમાં ફેંકી દીધી

મધ્‍ય પ્રદેશના ભોપાલમાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવીઃ આ ઘટનાની પાછળ પ્રેમ, વિશ્વાસઘાત, બ્‍લેકમેઇલ અને હત્‍યાની એક જટિલ કહાનીઃ શરૂઆત ઇન્‍સ્‍ટાગ્રામથી થઈ અને અંત સેપ્‍ટિક ટાંકીમાં થયો

 

ભોપાલ તા.૧૪: મધ્‍ય પ્રદેશના ભોપાલમાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. ભોપાલના નિશાતપુરા વિસ્‍તારમાં એક ખાલી પ્‍લોટમાં બનેલી સેપ્‍ટિક ટાંકીમાંથી ગુરુવારે સાંજે ૩૩ વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્‍યો હતો, જેનાથી આખા વિસ્‍તારમાં હડકંપ મચી ગયો હતો. પોલીસના દાવા મુજબ, માત્ર ૨૪ કલાકની અંદર જ તેમણે આ કેસને સુલઝાવી દીધો છે. આ ઘટનાની પાછળ પ્રેમ, વિશ્વાસઘાત, બ્‍લેકમેઇલ અને હત્‍યાની એક જાટિલ કહાની બતાવવામાં આવી રહી છે, જેની શરૂઆત ઇન્‍સ્‍ટાગ્રામથી થઈ અને અંત સેપ્‍ટિક ટાંકીમાં થયો. પીડિત મહિલાની ઓળખ મહારાષ્ટ્રના ગોંદિયાની રહેવાસી અશરફી ઉર્ફે સિયા તરીકે થઈ છે.

તપાસ મુજબ, સિયાની હત્‍યા સોમવારે તેના જ પરિણીત પ્રેમી સમીરે કરી હતી. આ ઘટનામાં તેણે કથિત રીતે પોતાના પરિવારના સભ્‍યોની મદદ લીધી હતી. તેણે મહિલાનું ગળું દબાવીને તેની હત્‍યા કરી. કોઈ પુરાવા હાથ ન લાગે તે માટે તેણે મૃતદેહને એક લોખંડના બોક્‍સમાં ભરીને કમલા નગરમાં આવેલા તેના ઘર પાસે એક સેપ્‍ટિક ટાંકીમાં ફેંકી દીધો હતો.

સિયા સમીરને લગભગ એક વર્ષ પહેલાં ઇન્‍સ્‍ટાગ્રામ પર મળી હતી. સામાન્‍ય વાતચીતથી શરૂ થયેલો આ સંબંધ ટૂંક સમયમાં પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગયો હતો. પ્રેમમાં પાગલ સિયાએ પોતાનું ઘર છોડી દીધું અને લગભગ ત્રણ મહિના પહેલાં મહારાષ્ટ્રથી ભોપાલ આવીને સમીર સાથે રહેવા લાગી હતી. તેને લાગ્‍યું કે પ્રેમી સમીર સાથે તે નવું જીવન શરૂ કરવાની છે, પરંતુ બન્‍યું બીજું જ.

જે સમીર સાથે તે જીવન વિતાવવાના સપના જોતી હતી, તે તો પહેલેથી જ પરણીત હતો અને બે બાળકોનો પિતા હતો. સિયા કમલા નગરમાં તેના ઘરમાં રહેવા લાગી, પરંતુ દરરોજ તેના અને સમીર વચ્‍ચે ઝઘડા થવા લાગ્‍યા હતા. પોલીસ સૂત્રો મુજબ, સિયા અને સમીરની પત્‍ની વચ્‍ચે અવારનવાર તકરાર થતી હતી. પડોશીઓના જણાવ્‍યા મુજબ, ઘરમાં જોરદાર ઝઘડા થતા હતા. એવું પણ કહેવાય છે કે સમીરે સિયા પાસેથી ઘણી બાબતો છુપાવી હતી, જેના કારણે તેમની વચ્‍ચે અશાંતિ ઝડપથી વધી ગઈ.

પોલીસનું કહેવું છે કે, સિયા સતત સમીર પર લગ્નનું દબાણ બનાવી રહી હતી. પોલીસ સૂત્રો અનુસાર, જ્‍યારે સમીરે લગ્ન માટે ઇનકાર કર્યો ત્‍યારે તેણે ૫ લાખ રૂપિયાની માંગણી કરી અને કથિત રીતે કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપી હતી. પરિસ્‍થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. તણાવ એટલો વધી ગયો કે સમીરની પત્‍ની કથિત રીતે પોતાના પિયર જબલપુર જતી રહી હતી.

સિયા અને સમીર વચ્‍ચે સોમવારે સાંજે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ. પોલીસના જણાવ્‍યા મુજબ, ગુસ્‍સે ભરાયેલા સમીરે સિયાનું ગળું દબાવી દીધું. પુરાવાનો નષ્ટ કરવા માટે તેણે કથિત રીતે પોતાના ભાઈ, માતા અને બહેનની મદદથી તેના મૃતદેહને લોખંડના બોક્‍સમાં બંધ કરીને સોમવાર-મંગળવારની રાત્રે તેના ઘર પાસેના ખાલી પ્‍લોટમાં બનેલી સેપ્‍ટિક ટાંકીમાં ફેંકી દીધો.

ગુરુવારે સાંજે ખાલી પ્‍લોટમાં રમતા બાળકોને ટાંકીમાંથી દુર્ગંધ આવી તો તેમણે પોતાના ઘરવાળાઓને જણાવ્‍યું હતું. તપાસ કરતાં ટાંકીમાં એક લોખંડનું બોક્‍સ તરતું જોવા મળ્‍યું હતું. તેમણે તાત્‍કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ અધિકારીઓ ઘટના સ્‍થળે પહોંચીને ટાંકીની તલાશી લીધી તો તેમને બોક્‍સમાં સિયાનો સડેલો મૃતદેહ મળ્‍યો હતો. મૃતદેહ એટલો સડી ગયો હતો કે સિયાના શરીર પર ઈજાના નિશાન સ્‍પષ્ટ દેખાતા નહોતા. જોકે, પોલીસે મહિલાના હાથ પર બનેલા ટેટૂ અને જન્‍મ તારીખથી તેની ઓળખ કરી લીધી.

નિશાતપુરા પોલીસ સ્‍ટેશનના ઇન્‍સ્‍પેક્‍ટર મનોજ પટવાનું કહેવું છે કે, મૃતદેહ ત્રણથી ચાર દિવસ જૂનો લાગે છે. પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને હત્‍યાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. તેમજ આરોપી સમીર હજુ ફરાર છે, જ્‍યારે પોલીસે તેના ભાઈ, માતા અને બહેનની અટકાયત કરી લીધી છે. સમીરની પત્‍ની પણ તપાસના દાયરામાં છે. પોલીસ સૂત્રો મુજબ, સિયાના પહેલા મહારાષ્ટ્ર અને રાજસ્‍થાનમાં ત્રણ વખત લગ્ન થઈ ચૂક્‍યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, ફોરેન્‍સિક રિપોર્ટ અને પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા પછી જ મૃત્‍યુનું કારણ સ્‍પષ્ટ થઈ શકશે.(૩૮.૩૦)

(3:46 PM IST)