News of Saturday, 14th February 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું ઈ-લોકાર્પણ : આસામની ધરતી પરથી ગુજરાતને ગ્રીન મોબિલિટીની ભેટ
પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ રાજ્યના 8 મહાનગરોમાં કુલ 750 બસો દોડશે : પર્યાવરણની જાળવણી સાથે દિવ્યાંગો માટે અનુકૂળ અને સુરક્ષિત પરિવહન સુવિધાનો નવો યુગ શરૂ

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના ખર્ચના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતના ભાવનગર શહેર માટે ફાળવવામાં આવેલી 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોને વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભારતના શહેરોમાં પરંપરાગત ઇંધણને બદલે ઇલેક્ટ્રિક બસોના ઉપયોગ દ્વારા સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી આ યોજના અમલી બનાવવામાં આવી છે.
ગુજરાત સહિત દેશના ચાર રાજ્યોમાં યોજનાનો પ્રારંભ
પીએમ ઇ-બસ સેવા યોજનાના પ્રારંભિક તબક્કામાં પશ્ચિમ ભારતમાંથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના નાગપુર, ચંડીગઢ અને આસામના ગુવાહાટી શહેરને પણ આ પર્યાવરણલક્ષી બસોની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાં આ મહત્વકાંક્ષી યોજનાના અસરકારક અમલીકરણ માટે ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા 'ગુજરાત શહેરી વિકાસ મિશન' (GUDM) ને રાજ્યની નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
ભાવનગર: ઇ-બસ સેવામાં અગ્રેસર
સમગ્ર રાજ્યમાં ભાવનગર એ પ્રથમ શહેર બન્યું છે જ્યાં આ યોજના હેઠળ પ્રથમ તબક્કે 50 બસોની ભેટ આપવામાં આવી છે. ભાવનગરના નાગરિકો માટે પરિવહન સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે કુલ 100 બસો કાર્યરત કરવાનું લક્ષ્ય છે. આ બસોની વિશેષતાઓ મુસાફરો માટે આરામદાયક અને સુરક્ષિત અનુભવ પૂરો પાડશે:
* તમામ બસો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે.
* ખાસ કરીને દિવ્યાંગ મુસાફરોની જરૂરિયાતોને ધ્યાને રાખીને બસોને તેમના માટે અનુકૂળ બનાવવામાં આવી છે.
* મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બસોમાં અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
રાજ્યના 8 શહેરોમાં 750 ઇ-બસો દોડાવવાનું ભગીરથ આયોજન
નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ આગામી સમયમાં ગુજરાતના આઠ મુખ્ય શહેરોમાં કુલ 750 ઇલેક્ટ્રિક બસો દોડાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં વડોદરામાં 250 બસો, રાજકોટમાં 100 બસો, ભાવનગરમાં 100 બસો, ગાંધીનગરમાં 100 બસો, જામનગરમાં 50 બસો, જુનાગઢમાં 50 બસો, ગાંધીધામમાં 80 બસો અને નવસારીમાં 20 ઇ-બસો શરૂ કરવામાં આવશે.
ઇલેક્ટ્રિક બસોના સંચાલન માટે જરૂરી ચાર્જિંગ સ્ટેશન્સ અને અન્ય ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં ગુજરાત હાલ સમગ્ર દેશમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ સંકલિત પ્રયાસો દ્વારા પર્યાવરણની જાળવણીની સાથે સાથે પ્રદૂષણ મુક્ત જાહેર પરિવહન ક્ષેત્રે ભારત એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરશે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
