News of Saturday, 14th February 2026
કેન્દ્રીય કેબિનેટના અનેક ઐતિહાસિક નિર્ણયો : ગુજરાતના આદિવાસી બેલ્ટમાં NH-56ના અપગ્રેડેશન માટે ₹4,583 કરોડ મંજૂર : 1 લાખ કરોડનું 'અર્બન ચેલેન્જ ફંડ' જાહેર
સ્ટાર્ટઅપ્સ માટે ₹10,000 કરોડનું ફંડ : આસામમાં બ્રહ્મપુત્રા નદી નીચે દેશની સૌથી મોટી અંડરવોટર ટનલ અને રેલ્વેના ₹18,509 કરોડના પ્રોજેક્ટ્સને પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી લીલી ઝંડી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના માળખાગત વિકાસ, શહેરી ઉન્નતિ અને ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારા અનેક મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ અને તેલંગાણા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, જેનાથી કનેક્ટિવિટી અને આર્થિક ગતિવિધિઓને મોટો વેગ મળશે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હાઈવેનું નેટવર્ક મજબૂત થશે
કેન્દ્રીય કેબિનેટના નિર્ણયથી ગુજરાતના આદિવાસી પટ્ટાને મોટો ફાયદો થયો છે. નેશનલ હાઇવે-56 (NH-56) ના અપગ્રેડેશન હેઠળ બે મહત્વના સેક્શનને ફોર-લેન બનાવવાની મંજૂરી અપાઈ છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ ₹4,583 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
* ધમાસિયા–બિટાડા સેક્શન: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધમાસિયાથી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બિટાડા/મોવી સુધીનો માર્ગ ફોર-લેન થશે.
* નસારપોર–મલોથા સેક્શન: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસારપોરથી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મલોથા સુધીના સેક્શનનું કામ હાથ ધરાશે.
શહેરી વિકાસ અને સ્ટાર્ટઅપ્સ માટે ફંડની સરવાણી
* અર્બન ચેલેન્જ ફંડ: શહેરોને આધુનિક અને સ્માર્ટ બનાવવા માટે ₹1 લાખ કરોડના ફંડને મંજૂરી અપાઈ છે. આ યોજના હેઠળ ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરી ખાનગી રોકાણને આકર્ષવાનું લક્ષ્ય છે.
* સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0: ₹10,000 કરોડના કોર્પસ સાથે આ ફંડ લોન્ચ કરાયું છે, જે ખાસ કરીને AI, ડીપ ટેક અને મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સને આર્થિક સહાય પૂરી પાડશે.
આસામમાં અંડરવોટર ટનલ અને નોઇડા મેટ્રો વિસ્તરણ
આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે 33.7 કિમી લાંબી ટ્વિન-ટ્યુબ રોડ ટનલ બનાવવામાં આવશે, જેમાં એક ટ્યુબમાં રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ સુવિધા હશે. આ ઉપરાંત, નોઇડામાં સેક્ટર-142 થી બોટનિકલ ગાર્ડન સુધીની 11.56 કિમી લાંબી મેટ્રો લાઇનને મંજૂરી અપાઈ છે, જેમાં 8 નવા સ્ટેશનો બનાવવામાં આવશે.
રેલ્વે અને અન્ય હાઇવે પ્રોજેક્ટ્સ
કેબિનેટે ₹18,509 કરોડના ખર્ચે ત્રણ મોટા રેલ્વે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ હેઠળ દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 12 જિલ્લાઓમાં આશરે 389 કિમી નવી લાઇન કે ડબલિંગની કામગીરી થશે. કસારા-મનમાડ અને દિલ્હી-અંબાલા જેવા વ્યસ્ત રૂટ પર ત્રીજી અને ચોથી લાઇન નાખવામાં આવશે. તેલંગાણામાં હૈદરાબાદ-પનાજી કોરિડોર પર 80 કિમી રોડને ફોર-લેન કરવાની અને મહારાષ્ટ્રમાં NH-160 ના અપગ્રેડેશનની પણ જાહેરાત કરવામાં આવી છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
