News of Saturday, 14th February 2026
નોઈડામાં વેલેન્ટાઈન ડેના દિવસે જ પ્રેમકથાનો કરુણ અંત : લોક કરેલી કારમાં પ્રેમી-પ્રેમિકાના ગોળી વાગેલા મૃતદેહ મળતા ચકચાર
સેક્ટર-૧૦૭ પાસે સર્વિસ રોડ પર ઉભેલી સફેદ કારમાંથી દિલ્હીના યુવક અને નોઈડાની યુવતીની લાશ મળી : યુવકના હાથમાં પિસ્તોલ હોવાથી પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા

નોઈડા: નોઈડાના સેક્ટર-૩૯ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલેન્ટાઈન ડેના દિવસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સેક્ટર-૧૦૭માં દાદરી રોડ પાસે સર્વિસ રોડ પર પાર્ક કરેલી એક અલ્ટ્રોઝ કારમાંથી યુવક અને યુવતીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
રસ્તે ચાલતા નાગરિકે પોલીસને જાણ કરી
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે અંદાજે એક વાગ્યે એક રાહદારીએ સફેદ રંગની કારમાં બે લોકો બેભાન અને લોહીલુહાણ અવસ્થામાં હોવાની માહિતી આપી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કાર અંદરથી લોક હતી. પોલીસે કારનો કાચ તોડીને બંનેને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંનેના મોત નીપજ્યા હતા. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. તપાસ દરમિયાન યુવકના હાથમાં પિસ્તોલ મળી આવી હતી અને બંનેના માથાના ભાગે ગોળી વાગેલા નિશાન હતા.
મૃતકોની ઓળખ અને પૃષ્ઠભૂમિ
મૃતક યુવકની ઓળખ ૩૨ વર્ષીય સુમિત (રહે. ત્રિલોકપુરી, દિલ્હી) અને યુવતીની ઓળખ ૨૬ વર્ષીય રેખા (રહે. સલારપુર, નોઈડા) તરીકે થઈ છે. સુમિત દિલ્હીના ન્યૂ અશોક નગરમાં પાણીનો પ્લાન્ટ ચલાવતો હતો અને તેના પિતા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત છે. તેને ક્રિકેટનો પણ ખૂબ શોખ હતો. જ્યારે રેખા નોઈડાના સેક્ટર-૬૨માં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.
પરિવારના સભ્યોની પૂછપરછમાં ખુલાસો
તપાસમાં સામે આવ્યું છે કે સુમિત શુક્રવાર સવારથી જ ઘરેથી નીકળી ગયો હતો અને તેનો કોઈ સંપર્ક થઈ શકતો નહોતો. બીજી તરફ, રેખા શુક્રવારે સાંજે સાત વાગ્યે કંપનીથી નીકળ્યા બાદ ઘરે પહોંચી ન હતી, જે અંગે તેના પરિવારે સેક્ટર-૫૮ પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, સુમિતે થોડા સમય પહેલા જ રેખા માટે નોઈડામાં એક ફ્લેટ ખરીદ્યો હતો અને દિવાળી પર નવી કાર પણ લીધી હતી.
પોલીસે બંને મૃતદેહોનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાયેલી છે અને પોલીસ આ મામલે અન્ય કાનૂની પાસાઓની તપાસ કરી રહી છે. પ્રેમ સંબંધોમાં કોઈ ગંભીર કારણોસર આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
