<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

રાજસ્થાનના જયપુર-કોટા હાઈવે પર ભીષણ અકસ્માત : કાર અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં મધ્યપ્રદેશના એક જ પરિવારના પાંચ સભ્યોના કરૂણ મોત

ચાકસુ પાસે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળ્યો : ડ્રાઈવરને જોકું આવી જતાં પૂરપાટ ઝડપે જતી ગાડી આગળ ચાલતા ટ્રેલરમાં ઘૂસી ગઈ : મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ

જયપુર : રાજસ્થાનના જયપુર જિલ્લાના ચાકસુ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કોટા-જયપુર નેશનલ હાઈવે (NH-52) પર ટિગરિયા વળાંક પાસે એક તેજ રફ્તાર કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર અથડાતા કારમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ડ્રાઈવરને જોકું આવી જતાં સર્જાઈ હોનારત
ચાકસુ પોલીસ સ્ટેશનના એસએચઓ મનોહર લાલ મેઘવાલના જણાવ્યા અનુસાર, અકસ્માત શનિવારે સવારે અંદાજે ૫:૩૦ વાગ્યે થયો હતો. કાર મધ્યપ્રદેશથી જયપુર તરફ જઈ રહી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વહેલી સવારના સમયે કાર ચાલકને ઊંઘનું જોકું આવી ગયું હતું, જેના કારણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી આગળ ચાલી રહેલા ટ્રેલરમાં પાછળથી ઘૂસી ગઈ હતી.
ઘટનાસ્થળે જ લાશોના ઢગલા થયા
ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ ટ્રેલરની નીચે ઘૂસી ગયો હતો અને કાર પૂરેપૂરી ચગદાઈ ગઈ હતી. અકસ્માત બાદ એક મહિલા સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ યુવકે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ દમ તોડ્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસની ટીમે ભારે જહેમત બાદ કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
મૃતકોની ઓળખ અને પોલીસ કાર્યવાહી
પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ રેશ્મા શ્રીવાસ્તવ (અખિલેશ શ્રીવાસ્તવના પત્ની), પિયુષ રાય (રાજેશ રાયના પુત્ર), રજક રાહુલ (બબલુ રજકના પુત્ર) અને ડ્રાઈવર અનુરાગ તરીકે થઈ છે. પાંચમા મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ તમામ લોકો જબલપુર શહેરના હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામ મૃતદેહોને ચાકસુ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો
અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને એક્સિડન્ટ રિસ્પોન્સ ટીમે તાત્કાલિક ક્રેન બોલાવીને ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવ્યા હતા અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. એક્સિડન્ટ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી જય સિંહે જણાવ્યું કે, પરિવારના સભ્યો આવ્યા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(5:34 PM IST)