News of Saturday, 14th February 2026
PM મોદીનો આસામ પ્રવાસ : બ્રહ્મપુત્રા નદી પર ‘કુમાર ભાસ્કર વર્મા સેતુ’નું લોકાર્પણ : ‘દુશ્મનોના ઘરમાં ઘૂસીને જવાબ આપતું નવું ભારત’ કહી કોંગ્રેસ પર કર્યા પ્રહાર
છેલ્લા ૧૧ વર્ષમાં આસામને ૫.૫ લાખ કરોડની સહાય અને ટેક્સ શેરિંગના ૫૦ હજાર કરોડ મળશે : રિવર ટૂરિઝમ અને હાઈવે પર વિમાન લેન્ડિંગની સિદ્ધિઓ ગણાવી કાર્યકર્તાઓને ભાજપનો ‘ઓક્સિજન’ ગણાવ્યા

ગુવાહાટી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આસામના પ્રવાસે ગુવાહાટી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે બ્રહ્મપુત્રા નદી પર નવનિર્મિત ‘કુમાર ભાસ્કર વર્મા સેતુ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને પૂર્વોત્તર ભારત (નોર્થ ઈસ્ટ) ના વિકાસની રૂપરેખા રજૂ કરવાની સાથે વિરોધ પક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ પર પ્રહાર અને રાષ્ટ્રીય સુરક્ષાનો હુંકાર
જનસભામાં વડાપ્રધાને કોંગ્રેસ શાસન પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્ર નિવેદનબાજીમાં માને છે અને તેમના સમયમાં દેશની સુરક્ષા હંમેશા જોખમમાં રહી હતી. તેમણે સુરક્ષાના મુદ્દે ગર્જના કરતા કહ્યું કે, "આજનું ભારત બદલાઈ ગયું છે, હવે ભારત દુશ્મનોના ઘરમાં ઘૂસીને જવાબ આપે છે." વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ આસામ સાથે હંમેશા ભેદભાવ રાખ્યો હતો, જેના કારણે રાજ્ય વર્ષો સુધી વિકાસથી વંચિત રહ્યું હતું.
નોર્થ ઈસ્ટના વિકાસ માટે ફંડની સરવાણી
વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું હતું કે, છેલ્લા ૧૧ વર્ષમાં આસામની વિવિધ પરિયોજનાઓ માટે ૫.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય પૂરી પાડવામાં આવી છે. બજેટમાં પણ પૂર્વોત્તર ક્ષેત્રની કનેક્ટિવિટી મજબૂત કરવા પર ખાસ ભાર મુકાયો છે, જેનાથી રોજગારી અને આર્થિક ગતિવિધિઓ વધશે. તેમણે માહિતી આપી હતી કે આસામને ટેક્સ શેરિંગ હેઠળ અંદાજે ૫૦ હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે, જેનો ઉપયોગ રસ્તા અને હાઈવે પરિયોજનાઓમાં કરવામાં આવશે.
રિવર ટૂરિઝમ અને એરફોર્સ લેન્ડિંગનો ઉલ્લેખ
બ્રહ્મપુત્રા નદીમાં રિવર ટૂરિઝમની પ્રબળ શક્યતાઓ પર ભાર મૂકતા પીએમ મોદીએ દેશવાસીઓને આસામની મુલાકાત લેવા અપીલ કરી હતી. આ ઉપરાંત, તેમણે મોરન હાઈવે પર વાયુસેનાના વિમાનના ઐતિહાસિક લેન્ડિંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હવે દેશમાં એવા આધુનિક હાઈવે બની રહ્યા છે જ્યાં જરૂર પડ્યે યુદ્ધ વિમાનો પણ ઉતારી શકાય છે.
કાર્યકર્તાઓ પક્ષનો ‘ઓક્સિજન’
ભારતીય જનતા પાર્ટીના સંગઠનની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપની સફળતાનું શ્રેય જમીની સ્તરના કાર્યકર્તાઓને જાય છે. તેમણે કાર્યકર્તાઓને પક્ષના "પ્રાણ અને ઓક્સિજન" ગણાવીને ઉમેર્યું કે સંગઠનની મજબૂતી જ દેશમાં મોટા પરિવર્તનનો આધાર છે. વડાપ્રધાનના આ પ્રવાસથી આસામમાં વિકાસની નવી લહેરની સાથે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
