News of Saturday, 14th February 2026
કુદરતનો કેર: આઈસલેન્ડના વિશ્વપ્રસિદ્ધ 'બ્લેક સેન્ડ બીચ' પર કાળમુખો કાળ ત્રાટક્યો, ગાયબ થઈ રહી છે સદીઓ જૂની વિરાસત
શિયાળાના તોફાની પવનો અને વિનાશક દરિયાઈ ધોવાણને કારણે રેનિસ્ફજારા બીચનો મોટો હિસ્સો તૂટી પડ્યો; પ્રવાસીઓ માટે લોકપ્રિય કાળી રેતીના પટ્ટા પર હવે ખડકોનું સામ્રાજ્ય

રેયકજાવિક: વિશ્વના સૌથી સુંદર અને રહસ્યમય પર્યટન સ્થળોમાં જેની ગણના થાય છે તેવા આઈસલેન્ડના 'રેનિસ્ફજારા' (Reynisfjara) બીચ પર કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શિયાળાના આકરા પ્રહાર અને સતત ફૂંકાતા પૂર્વીય પવનોને કારણે આ આઇકોનિક બીચનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. તાજેતરમાં થયેલા ભારે ધોવાણને કારણે રેનિસ્ફજાલ પર્વતનો એક વિશાળ ભાગ ધરાશાયી થયો છે, જેનાથી બીચના કુદરતી સૌંદર્યને ભારે નુકસાન પહોંચ્યું છે.
પવનોની દિશા બદલાતા સર્જાયો વિનાશ
સામાન્ય રીતે આ વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોય છે, જે દરિયા કિનારે રેતી જાળવી રાખવામાં મદદ કરે છે. પરંતુ આ વર્ષે પક્ષ પલટાયો છે! સતત ફૂંકાતા પૂર્વીય પવનો અને ઉછળતા પહાડ જેવા મોજાઓએ બીચની ઓળખ સમાન કાળી જ્વાળામુખી રેતીને તાણીને પશ્ચિમ તરફ ધકેલી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે, જે સ્થળે પ્રવાસીઓ નવેમ્બર ૨૦૨૫ સુધી કાળી રેતી પર લટાર મારતા હતા, ત્યાં આજે માત્ર પથ્થરો અને દરિયાનું ઘૂઘવતું પાણી જોવા મળી રહ્યું છે.
સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા
વર્ષોથી આ વિસ્તારમાં રહેતા વડીલો અને પ્રવાસી માર્ગદર્શકો પણ આ પરિવર્તન જોઈને સ્તબ્ધ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના જીવનકાળમાં ક્યારેય આટલું ભયાનક ભૂસ્ખલન અને આટલી ઝડપથી થતું ધોવાણ જોયું નથી. રેનિસ્ફજાલ પર્વત નીચે થયેલા ભૂસ્ખલનને કારણે સુરક્ષાના કારણોસર બીચના કેટલાક મહત્વના હિસ્સાઓ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાની ફરજ પડી છે.
શું ફરી પાછી આવશે કાળી રેતી?
દરિયાઈ ઈજનેરો અને નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી સમયમાં પવનની દિશા બદલાશે અને પ્રવાહો અનુકૂળ થશે, તો કદાચ દરિયો ફરીથી આ રેતી પાછી લાવી શકે છે. જોકે, હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે આ અદભૂત લેન્ડસ્કેપ હંમેશા માટે બદલાઈ ગયો છે. ખડકો અને પથ્થરોના કાટમાળ વચ્ચે આઈસલેન્ડની આ કુદરતી વિરાસત અત્યારે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે.
નોંધનીય છે કે આ બીચ તેની 'સ્નીકર વેવ્ઝ' (અચાનક આવતા મોટા મોજા) માટે કુખ્યાત હોવા છતાં, તેની બેસાલ્ટ ગુફાઓ અને અનોખા પથ્થરો જોવા માટે દુનિયાભરમાંથી લાખો પ્રવાસીઓ અહીં ઉમટી પડતા હોય છે. પરંતુ કુદરતના આ તાજેતરના પ્રકોપે પ્રવાસન ઉદ્યોગ અને પર્યાવરણવાદીઓ માટે ચિંતા જગાવી છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
