<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

"મને ખાલી ૧૦ મિનિટ આપો સાહેબ": વકીલ વિના સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ૧૯ વર્ષનો વિદ્યાર્થી, દમદાર દલીલો જોઈ જજે MBBSમાં એડમિશનનો આપ્યો ઐતિહાસિક ચુકાદો

નીટમાં ૫૩૦ માર્ક્સ મેળવનાર મધ્યપ્રદેશના અથર્વ ચતુર્વેદીએ સિસ્ટમની લાપરવાહી સામે માંડ્યો મોરચો; જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે અનુચ્છેદ ૧૪૨ની વિશેષ શક્તિ વાપરી વિદ્યાર્થીના ડોક્ટર બનવાના સપનાને આપ્યા પાંખો

ભોપાલ: ન્યાય મેળવવા માટે માત્ર કાળા કોટ અને વર્ષોના અનુભવની નહીં, પણ સત્ય અને આત્મવિશ્વાસની જરૂર હોય છે, તેવું મધ્યપ્રદેશના એક નાના શહેરના ૧૯ વર્ષીય યુવાન અથર્વ ચતુર્વેદીએ સાબિત કરી દીધું છે. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવી એક ઘટનામાં, કાયદાનો અભ્યાસ ન કર્યો હોવા છતાં અથર્વે પોતાની દલીલો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતના જજોના દિલ જીતી લીધા અને પોતાના પક્ષમાં ચુકાદો મેળવ્યો છે.
સિસ્ટમની ભૂલ અને વિદ્યાર્થીનો સંઘર્ષ
અથર્વે નીટ (NEET-UG) પરીક્ષામાં ૫૩૦ ગુણનો શાનદાર સ્કોર મેળવી EWS (આર્થિક રીતે નબળા વર્ગ) કોટા હેઠળ MBBS સીટનો દાવો કર્યો હતો. જોકે, મધ્યપ્રદેશ સરકારના એડમિશન નોટિફિકેશનમાં થયેલા વિલંબના કારણે તેને ખાનગી મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં પણ તેને સફળતા ન મળતા, અથર્વે હાર માનવાને બદલે પોતે જ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને વકીલ રોક્યા વગર મેદાનમાં ઉતરી પડ્યો.
"મને ૧૦ મિનિટ આપો" – કોર્ટમાં ગુંજ્યો આત્મવિશ્વાસ
ફેબ્રુઆરી ૨૦૨૫માં જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સમક્ષ ઓનલાઈન સુનાવણી દરમિયાન જ્યારે જજે તેને પૂછ્યું કે "શું તું તારો કેસ જાતે લડીશ?" ત્યારે અથર્વે પૂરી મક્કમતાથી હા પાડી અને વિનંતી કરી કે, "સર, મને મારી વાત રજૂ કરવા માટે માત્ર ૧૦ મિનિટ આપો." જજ તેના આત્મવિશ્વાસથી પ્રભાવિત થયા અને તેને પૂરી ૧૫ મિનિટ આપી. અથર્વે તર્ક આપ્યો કે વહીવટી તંત્રની ભૂલ કે પોલિસી જાહેર કરવામાં થયેલા વિલંબનો ભોગ તેજસ્વી વિદ્યાર્થીઓએ ન બનવું જોઈએ.
અનુચ્છેદ ૧૪૨નો ઉપયોગ અને ૭ દિવસમાં એડમિશનનો આદેશ
અથર્વની ધારદાર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે આ એક અસાધારણ કેસ છે. સંવિધાનના અનુચ્છેદ ૧૪૨ અંતર્ગત પોતાની વિશેષ શક્તિનો ઉપયોગ કરતા, કોર્ટે અથર્વને પ્રોવિઝનલ MBBS એડમિશન આપવાનો ઐતિહાસિક આદેશ આપ્યો. કોર્ટે નેશનલ મેડિકલ કમિશન (NMC) અને મધ્યપ્રદેશ સરકારને ફટકાર લગાવતા નિર્દેશ આપ્યા કે આગામી ૭ દિવસમાં અથર્વને કોલેજ ફાળવવામાં આવે.
દેશના યુવાનો માટે નવો 'લીગલ હીરો'
આ ચુકાદો માત્ર અથર્વની જીત નથી, પરંતુ એ હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે જેઓ સરકારી લાપરવાહીનો શિકાર બને છે. સોશિયલ મીડિયા પર અથર્વને 'લીગલ હીરો' તરીકે નવાજવામાં આવી રહ્યો છે. ૧૯ વર્ષની ઉંમરે દેશની સર્વોચ્ચ અદાલતમાં વરિષ્ઠ વકીલોની હાજરીમાં પોતે જ દલીલો કરી ન્યાય મેળવવો એ દૃઢ સંકલ્પની અદભૂત મિસાલ છે.

(7:59 PM IST)