News of Saturday, 14th February 2026
પ્રેમમાં 'પૈસા' નહીં પણ 'પ્લાનિંગ' લાવશે મીઠાશ: વેલેન્ટાઇન ડે પર પાર્ટનરને આપો આર્થિક સુરક્ષાની ભેટ, જાણો સુખી દાંપત્યજીવનના ૭ નાણાકીય મંત્રો
પ્રેમની સાથે 'પ્રોફિટ' પણ વધશે! આર્થિક આઝાદીનો રોડમેપ; જાણો કેમ ૩૦% કપલ્સ જ શેર કરે છે ફાઇનાન્શિયલ સિક્રેટ્સ

અમદાવાદ: વેલેન્ટાઇન વીકની મસ્તી અને રોમાન્સ વચ્ચે જ્યારે આપણે ગુલાબ અને ચોકલેટની આપ-લે કરીએ છીએ, ત્યારે એક વસ્તુ આપણે અવારનવાર ભૂલી જઈએ છીએ – અને તે છે 'આર્થિક સુખાકારી'. આ વેલેન્ટાઇન ડે પર પ્રેમી યુગલો અને પરિણીત કપલ્સ માટે એક ખાસ કિસ્સો રજૂ કરવામાં આવ્યો છે. નિષ્ણાતના મતે, જેમ સંબંધમાં વિશ્વાસ જરૂરી છે, તેમ બેંક બેલેન્સ અને ખર્ચની બાબતમાં પારદર્શકતા રાખવી એ જ સાચો પ્રેમ છે.
'મની ડેટ' પર જાઓ અને દિલ ખોલીને વાત કરો
શું તમે ક્યારેય તમારા પાર્ટનર સાથે કેન્ડલ લાઇટ ડિનર પર બેસીને તમારા દેવા, આવક કે રિટાયરમેન્ટ ગોલ્સ વિશે વાત કરી છે? નિષ્ણાતો કહે છે કે મહિનામાં એકવાર 'મની ડેટ' અનિવાર્ય છે. આ ડેટ પર કોઈ ઝઘડા નહીં, પણ માત્ર ભવિષ્યના લક્ષ્યોની ચર્ચા થવી જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે માત્ર ૩૦% યુગલો જ એકબીજા સાથે નાણાકીય વિગતો શેર કરે છે, જે આંકડો વધવો ખૂબ જરૂરી છે.
દેખાદેખીના દમનથી બચો અને ઇમરજન્સી માટે તૈયાર રહો
સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ શૂટ કે ભવ્ય બેબી શાવરના ફોટા જોઈને પીઅર પ્રેશરમાં આવવાની જરૂર નથી. તમારી ચાદર જોઈને જ પગ ફેલાવવા એ જૂની કહેવત આજે પણ એટલી જ સાચી છે. ખાસ કરીને ૬ થી ૧૨ મહિનાના ખર્ચ જેટલું 'ઇમરજન્સી ફંડ' એ તમારી રિલેશનશિપનું રક્ષણ કવચ છે. મુશ્કેલ સમયમાં આ ફંડ જ તમારી માનસિક શાંતિ જાળવી રાખશે.
ઇન્શ્યોરન્સ: પત્ની અને બાળકો માટે મજબૂત સુરક્ષા કવચ
નાણાકીય આયોજનમાં ઇન્શ્યોરન્સનું મહત્વ સમજાવતા નિશા સંગવીએ જણાવ્યું કે, 'મેરીડ વુમન પ્રોટેક્શન એક્ટ' (MWP Act) હેઠળ ટર્મ પ્લાન લેવો જોઈએ. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે વીમાની રકમ માત્ર પત્ની અને બાળકોને જ મળે, કોઈ લેણદારો તેને અડી ન શકે. સાથે જ, સંતાનોના ભવિષ્ય માટે 'ગાર્ડિયનશિપ ડીડ' જેવી કાનૂની પ્રક્રિયાઓ પણ અત્યારથી જ પતાવી દેવી હિતાવહ છે.
આવકમાં તફાવત? ઈગો છોડો અને જોઈન્ટ એકાઉન્ટ અપનાવો
જ્યારે પતિ-પત્ની બંને કમાતા હોય અને એકનો પગાર વધુ હોય, ત્યારે ઈગો ક્લેશ થવો સામાન્ય છે. આનો બેસ્ટ ઉકેલ છે 'જોઈન્ટ એકાઉન્ટ'. ઘરના કોમન ખર્ચ માટે આ એકાઉન્ટમાં ફિક્સ રેશિયો મુજબ પૈસા જમા કરો અને બાકીની રકમ પોતાની વ્યક્તિગત જરૂરિયાત કે માતા-પિતા માટે વાપરો. આનાથી ખર્ચમાં પારદર્શકતા આવશે અને ઝઘડા ઘટશે.
નવા પરિણીત યુગલો માટે 'ગોલ્ડન ટિપ્સ':
• સ્વપ્નનું ઘર: જો આવતા ૫ વર્ષમાં ઘર લેવું હોય, તો આજથી જ SIP (Systematic Investment Plan) શરૂ કરો.
• ફેમિલી પ્લાનિંગ: બાળક આવતા પહેલાના મેડિકલ ખર્ચ અને તેના ઉચ્ચ શિક્ષણ માટે અત્યારથી જ અલગ 'બકેટ' બનાવી રોકાણ શરૂ કરો.
• રિટાયરમેન્ટ: ૨૦ કે ૩૦ની ઉંમરથી જ નિવૃત્તિ માટે નાનું રોકાણ કરવાથી 'કમ્પાઉન્ડિંગ'નો જાદુ તમને કરોડપતિ બનાવી શકે છે.
યાદ રાખો, જ્યારે કપલ્સ 'સેમ ટીમ' તરીકે રમે છે, ત્યારે માત્ર મોંઘી ગિફ્ટ્સ જ નહીં, પણ આખું ભવિષ્ય યાદગાર બની જાય છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
