<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

હરિયાણામાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ : બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતા ૫ મિત્રોના કરુણ મોત : ગામમાં જાન આવવાની હતી ને લાશો આવી

લગ્નમાં ‘ભાત’ ભરીને પરત ફરી રહેલા યુવકોની કારને ગોહાના પાસે નડ્યો અકસ્માત : ૨ મહિના પહેલા પરણેલા એકના એક પુત્રનું મોત નિપજતા પરિવાર નોંધારો બન્યો.: બે દીકરીઓના લગ્ન પ્રસંગે શોકનું મોજું

સોનીપત : હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શુક્રવારે સાંજે ૭ વાગ્યે ભાવડ-ઘડવાલ લિંક રોડ પર આ ભીષણ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે લગ્નની વિધિ પતાવીને પરત ફરી રહેલા મિત્રોની કાર બેકાબૂ બનીને રસ્તા કાંઠે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે પાંચેય યુવકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.
જાનની પ્રતિક્ષા વચ્ચે મળ્યા મોતના સમાચાર
આ કરુણ ઘટના ગોહાનાના ભાવડ ગામમાં બની છે, જ્યાં સોનિકા અને મોનિકા નામની બે દીકરીઓના લગ્નની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી. સોનિકાના લગ્ન બાદ તેની વિદાય થઈ ચૂકી હતી અને બીજી દીકરી મોનિકાની જાન ઝજ્જરના ફતેહપુરી ગામેથી આવવાની હતી. આખું ગામ જ્યારે મોનિકાની જાનના સ્વાગતની તૈયારીમાં અને પ્રતિક્ષામાં હતું, બરાબર તે જ સમયે લગ્નપ્રસંગમાં ‘ભાત’ ભરીને પરત ફરી રહેલા આ યુવકોના મોતના સમાચાર મળ્યા હતા. હસતા-રમતા લગ્ન પ્રસંગના માહોલમાં અચાનક ચીસ અને રુદન છવાઈ ગયા હતા.
માત્ર ૨ મહિના પહેલા જ પરણ્યો હતો રોહિત
મૃતકોમાં સામેલ રોહતકના ઘુસકાની ગામનો રોહિત ઉર્ફે ગોલૂ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. આ અકસ્માતની સૌથી હૃદયદ્રાવક વિગત એ છે કે રોહિતના લગ્ન માત્ર ૨ મહિના પહેલા જ થયા હતા. હજુ તો તેની પત્નીના હાથની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો ત્યાં જ માર્ગ અકસ્માતે આ નવપરિણીત યુવાનને પરિવાર પાસેથી છીનવી લીધો છે. રોહિતના નિધનથી તેની પત્ની અને વૃદ્ધ માતા-પિતા પરાવલંબી અને નોંધારા બની ગયા છે.
પોલીસ કાર્યવાહી અને ઈજાગ્રસ્તોની સ્થિતિ
અકસ્માતની જાણ થતા જ ગોહાના પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢી ખાનપુર કલાંની મેડિકલ કોલેજમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ પાંચને મૃત જાહેર કર્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોમાં રાજકિશન નામનો યુવક ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રોહતક રિફર કરવામાં આવ્યો છે, જ્યારે અશોક નામનો અન્ય એક યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અકસ્માતને કારણે લગ્નની શરણાઈઓના સૂર મરશિયામાં ફેરવાઈ ગયા છે અને સમગ્ર પંથકમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

(8:19 PM IST)