News of Saturday, 14th February 2026
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનો ઋષિ બોધોત્સવ ધામધૂમથી ઉજવાયો, પરંતુ ₹૨૫૦ કરોડના ‘જ્ઞાન જ્યોતિ તીર્થ’ પ્રોજેક્ટમાં વિલંબથી ભક્તોમાં રોષ
૨૦૦મી જન્મજયંતીએ રાષ્ટ્રપતિની હાજરીમાં થયેલા શિલાન્યાસને બે વર્ષ વીત્યા છતાં એક ઈંટ પણ મુકાઈ નથી : ૧૫ એકર જમીન પર માત્ર કમ્પાઉન્ડ વોલ બનતા આર્ય જગત અને સ્થાનિકોમાં અસંતોષની લાગણી

(જયેશ ભટાસણા દ્વારા)ટંકારા: મહાશિવરાત્રીના પવિત્ર પર્વે આર્ય સમાજના સ્થાપક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં આજે 'ઋષિ બોધોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી આ પવિત્ર ભૂમિ આજે વેદમંત્રોના ઘોષથી ગુંજી ઉઠી છે. જોકે, આ ભક્તિમય વાતાવરણની વચ્ચે એક ગંભીર પ્રશ્ન પણ ઉભો થયો છે કે, ટંકારાને વિશ્વકક્ષાનું પ્રવાસન અને શ્રદ્ધા કેન્દ્ર બનાવવા માટે જે 'જ્ઞાન જ્યોતિ તીર્થ'નું સ્વપ્ન જોવામાં આવ્યું હતું, તે ક્યારે સાકાર થશે?
ઐતિહાસિક ૨૦૦મી જન્મજયંતી અને મોટા વાયદાઓ
વર્ષ ૨૦૨૪માં મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતી નિમિત્તે ટંકારામાં ‘જ્ઞાન જ્યોતિ પર્વ’નું અત્યંત ભવ્ય આયોજન થયું હતું. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના મહોત્સવમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે ૧૫ એકર જમીન ફાળવીને અંદાજે ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ‘જ્ઞાન જ્યોતિ તીર્થ’ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતભરના દાતાઓએ પણ આ તીર્થ માટે દાનનો પ્રવાહ વહાવ્યો હતો.
પ્રોજેક્ટની રૂપરેખા અને શૈક્ષણિક આયામો
આ પ્રસ્તાવિત તીર્થમાં માત્ર સ્મારક જ નહીં, પરંતુ એક વિશાળ શૈક્ષણિક સંકુલ (ડી.એ.વી. સંસ્થાઓ), કોલેજ સુધીનું શિક્ષણ, કન્યાઓ માટે અત્યાધુનિક હોસ્ટેલ, મહર્ષિના વિચારોને પ્રદર્શિત કરતી ભવ્ય પ્રદર્શનશાળા અને વિશાળ પુસ્તકાલય જેવી સુવિધાઓ નિર્માણ પામવાની હતી. આ પ્રોજેક્ટ ટંકારાને 'જ્ઞાનની અનંત જ્યોત' તરીકે વિશ્વ નકશા પર સ્થાપિત કરવાનો મુખ્ય હેતુ ધરાવે છે.
બે વર્ષ પછીની વરવી વાસ્તવિકતા
શિલાન્યાસને આજે બે વર્ષ પૂર્ણ થયા હોવા છતાં જમીન પર કોઈ નક્કર કામગીરી જોવા મળી નથી. ૨૦૨૪ થી ૨૦૨૬ સુધીના સમયગાળામાં ફાળવવામાં આવેલી જમીનની ફરતે માત્ર કમ્પાઉન્ડ વોલ જ બની છે. નવા બાંધકામના પાયા પણ ખોદાયા નથી કે એક ઈંટ પણ મૂકવામાં આવી નથી. આ વિલંબને કારણે ટંકારાના યુવાનો, મહિલાઓ અને આર્ય સમાજના કાર્યકર્તાઓ કે જેમણે મહોત્સવ માટે રાત-દિવસ મહેનત કરી હતી, તેમનામાં ભારે નિરાશા વ્યાપી છે.
આર્ય જગતમાં વ્યાપેલો અસંતોષ
આઝાદીના પ્રથમ ઉદ્બોધક અને અંધશ્રદ્ધા વિરુદ્ધ વૈચારિક ક્રાંતિ લાવનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીના વારસદારો આજે ચાતક નજરે આ પ્રોજેક્ટની પ્રગતિની રાહ જોઈ રહ્યા છે. ટંકારાની પ્રજા અને દેશ-વિદેશમાં ફેલાયેલા આર્ય સમાજીઓનો એક જ સવાલ છે કે આખરે કયા કારણોસર આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અટવાયો છે? મહર્ષિની માતૃભૂમિના વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
