News of Saturday, 14th February 2026
વેલેન્ટાઈન પર સુકેશની 'જેટ' રફ્તાર: જેલના સળિયા પાછળથી જેક્લીન માટે મોકલ્યું કરોડોનું આલિશાન વિમાન, જેટ પર લખાવ્યું ખાસ નામ
મહાઠગ સુકેશનો મંડોલી જેલમાંથી જેક્લીન ફર્નાન્ડીઝને પ્રેમ પત્ર; ગલ્ફસ્ટ્રીમ જેટમાં 'JF' અક્ષરો કોતરાવી મોંઘીદાટ ભેટ આપવાનો દાવો, કહ્યું- "હવે શૂટિંગ માટે નહીં પડે તકલીફ"

મુંબઈ : વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમના દિવસે જ્યારે સામાન્ય લોકો ફૂલો અને ચોકલેટની આપ-લે કરે છે, ત્યારે મહાઠગ તરીકે કુખ્યાત સુકેશ ચંદ્રશેખરે મંડોલી જેલના સળિયા પાછળથી બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ માટે એક એવી ભેટની જાહેરાત કરી છે કે જેનાથી આખા દેશમાં ચર્ચા જાગી છે. કરોડોના છેતરપિંડીના આરોપમાં જેલ ભોગવી રહેલા સુકેશે દાવો કર્યો છે કે તેણે જેક્લીન માટે એક ખાસ 'ગલ્ફસ્ટ્રીમ જેટ' (Customized Gulfstream Jet) ભેટમાં આપ્યું છે.
પર્સનલાઈઝ્ડ જેટ અને જેક્લીનનું નામ
સુકેશે જેલમાંથી લખેલા લાંબા પ્રેમ પત્રમાં જણાવ્યું છે કે આ જેટ માત્ર મોંઘું જ નથી પણ તેને જેક્લીન માટે ખાસ કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે. જેટની અંદર અને બહાર 'JF' (Jacqueline Fernandez) અક્ષરો કોતરવામાં આવ્યા છે. આટલું જ નહીં, આ લક્ઝરી જેટનો રજીસ્ટ્રેશન નંબર પણ જેક્લીનની જન્મતારીખ અને મહિના સાથે મેળ ખાય તે રીતે પસંદ કરવામાં આવ્યો છે. સુકેશનું કહેવું છે કે જેક્લીનને કામના અર્થે અને શૂટિંગ માટે વારંવાર મુસાફરી કરવી પડે છે, તેથી આ વિમાન તેની મુસાફરીને આરામદાયક બનાવશે.
ભેટને 'લીગલ' બનાવવા સુકેશનો પ્લાન
કાયદાકીય ગૂંચવણોથી બચવા માટે સુકેશે પત્રમાં દાવો કર્યો છે કે તે આ ભેટને સંપૂર્ણપણે કાયદેસર (Legal Gift) રાખશે. તેણે તમામ ટેક્સ ભરવાની અને ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) માં તેની જાહેરાત કરવાની ખાતરી આપી છે. સુકેશના મતે, આ તેની સાચી લાગણીની ભેટ છે, જેને તે કોઈપણ સંજોગોમાં જેક્લીન સુધી પહોંચાડવા માંગે છે.
શું જેક્લીન આ કરોડોનું વિમાન સ્વીકારશે?
બીજી તરફ, જેક્લીન ફર્નાન્ડીઝનું વલણ તદ્દન અલગ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસ શરૂ થયા બાદ જેક્લીને સુકેશ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે અને કોર્ટમાં જણાવ્યું છે કે સુકેશે તેને છેતરીને ગેરમાર્ગે દોરી હતી. આ કરોડોના જેટના દાવા પર જેક્લીન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ સુકેશનો આ નવો 'જેટ પ્લાન' ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
સુકેશ જેલમાંથી અવારનવાર જેક્લીન માટે પત્રો લખતો રહે છે, પરંતુ વેલેન્ટાઈન ડે પર કરોડોના જેટની આ ભેટ તેના પ્રેમના 'પાગલપન' કે નવો 'પેંતરો' છે તે જોવાનું રહ્યું.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
