News of Saturday, 14th February 2026
બ્રિટનમાં ‘વ્હાઇટ આઉટ’: લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રીએ પહોંચતા હાડ થીજવતી ઠંડી, 6 ઈંચ બરફની ચાદર પથરાવાની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર!
ડર્બીથી સ્કોટલેન્ડ સુધી બરફનું સામ્રાજ્ય; સતત વરસાદ બાદ હવે હિમવર્ષાએ મુશ્કેલી વધારી, મુસાફરોને સાવધ રહેવા મેટ ઓફિસની કડક સૂચના

લંડન: યુનાઇટેડ કિંગડમ (UK) માં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા અનરાધાર વરસાદ બાદ હવે બ્રિટનવાસીઓએ બરફના તોફાનનો સામનો કરવો પડશે. મેટ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, દેશના અનેક ભાગોમાં 6 ઈંચ (15 સેમી) જેટલી ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
તાપમાનમાં ભારે ઘટાડો અને યલો વોર્નિંગ
બ્રિટનમાં શનિવારે લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જતાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગે ડર્બીથી લઈને સ્કોટલેન્ડ સુધીના વિસ્તારો માટે 'યલો વેધર વોર્નિંગ' જાહેર કરી છે. આ ચેતવણી આજે રાત્રે 9 વાગ્યાથી અમલી બનશે અને રવિવારે સવારે 10 વાગ્યા સુધી જારી રહેશે. ઊંચાઈવાળા વિસ્તારોમાં 15 સેમી અને મેદાની વિસ્તારોમાં 1 થી 3 સેમી બરફ પડવાની ધારણા છે.
જેટ સ્ટ્રીમ અને આર્કટિક હવાનું સંકટ
મેટ ઓફિસના જણાવ્યા અનુસાર, આર્કટિક તરફથી આવતી ઠંડી હવાને કારણે વાતાવરણમાં આ પલટો આવ્યો છે. જેટ સ્ટ્રીમ (હવાના પ્રવાહ) માં સર્જાયેલા અવરોધને કારણે યુકેમાં છેલ્લા 42 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો, જે હવે હિમવર્ષામાં ફેરવાઈ રહ્યો છે. ઠંડા પવનો અને બરફને કારણે રસ્તાઓ પર લપસણી સ્થિતિ સર્જાશે, જેનાથી વાહન વ્યવહાર અને ટ્રેન સેવાઓને અસર થવાની પૂરેપૂરી શક્યતા છે.
વરસાદ અને પૂરનો ખતરો હજુ ટળ્યો નથી
બરફની સાથે સાથે બ્રિટનના અનેક ભાગોમાં પૂરનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. એન્વાયરમેન્ટ એજન્સીએ અત્યાર સુધીમાં 77 પૂરની ચેતવણીઓ અને 160 ફ્લડ એલર્ટ જાહેર કર્યા છે. ફેબ્રુઆરીના શરૂઆતના 8 દિવસોમાં જ એબર્ડિન અને વુસ્ટરશાયર જેવા વિસ્તારોમાં આખા મહિનાનો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. રવિવારે બપોર પછી બરફ પીગળીને વરસાદમાં ફેરવાશે, જે મુસાફરી માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે.
આગામી સપ્તાહ પણ રહેશે અસ્થિર
હવામાનશાસ્ત્રીઓના મતે આગામી અઠવાડિયાની શરૂઆત પણ આવી જ અસ્થિર રહેશે. ઉત્તરી આયર્લેન્ડ અને ઉત્તરી ઇંગ્લેન્ડમાં ભારે ઝાપટાં અને બરફીલા પવનો ફૂંકાવાનું ચાલુ રહેશે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
