<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

વિજ્ઞાન પણ સ્તબ્ધ! ઈન્દોરનું એવું રહસ્યમય મંદિર જ્યાં શિવલિંગમાંથી પથ્થરો ખરે છે, છતાં કદ ઘટતું નથી

દેપાલપુરના કાકવા ગામમાં બિરાજમાન નીલકંઠેશ્વર મહાદેવનો અકલ્પનીય ચમત્કાર; હજારો વર્ષોથી શિવલિંગનું ક્ષરણ થવા છતાં સ્વરૂપ યથાવત રહેતા મહાશિવરાત્રી પૂર્વે શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું

ઇન્દોર:મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોર પાસે એક એવું શિવધામ આવેલું છે, જેનું રહસ્ય આધુનિક વિજ્ઞાનના તર્કને પણ પડકાર આપે છે. ઇન્દોર જિલ્લાના દેપાલપુર તાલુકાના કાકવા ગામમાં સ્થિત હજારો વર્ષ જૂનું 'નીલકંઠેશ્વર મહાદેવ મંદિર' શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અતૂટ કેન્દ્ર છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સ્થાપિત પવિત્ર શિવલિંગમાંથી અવારનવાર પથ્થરના નાના ટુકડાઓ જાતે જ ખરી પડે છે. સામાન્ય રીતે કોઈપણ પથ્થરમાંથી ટુકડા પડે તો તેનું કદ ઘટવું જોઈએ, પરંતુ અહીં મહાદેવની એવી માયા છે કે હજારો વર્ષો પછી પણ આ શિવલિંગના કદમાં એક ઇંચનો પણ ઘટાડો થયો નથી.

સ્થાનિક માન્યતા અને મંદિરના પૂજારીઓના જણાવ્યા અનુસાર, ખાસ કરીને 'સિંહસ્થ કુંભ' ના કાળ દરમિયાન શિવલિંગમાંથી પથ્થરના ટુકડા પડવાની પ્રક્રિયા વધી જાય છે. આ ઘટનાને ભક્તો શિવલિંગના 'કાયાકલ્પ' તરીકે જુએ છે. પુરાણોમાં આ નીલકંઠેશ્વર મહાદેવને ઉજ્જૈનના રાજાધિરાજ મહાકાલના ચાર મુખ્ય દ્વારપાળો પૈકીના એક માનવામાં આવે છે. આ જ કારણ છે કે જે ભક્તો ઉજ્જૈન મહાકાલના દર્શને જાય છે, તેઓ કાકવા ગામના આ ચમત્કારિક શિવલિંગના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. ભક્તો માને છે કે અહીં પથ્થરનું ખરવું એ મહાદેવની જીવંત હાજરીનો પુરાવો છે.

મંદિરની ભૌગોલિક સ્થિતિ પણ તેને વધુ રહસ્યમય બનાવે છે. મંદિરની સમીપ એક પવિત્ર તળાવ આવેલું છે, જેના પાણીને ચમત્કારિક માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન મંદિરની પાછળથી વહેતી નદીનું રૌદ્ર સ્વરૂપ અને કુદરતી સૌંદર્ય ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઉજવાઈ રહેલી મહાશિવરાત્રી નિમિત્તે અહીં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે આ શિવલિંગના માત્ર દર્શન કરવાથી જીવનના તમામ ગ્રહદોષ અને બાધાઓ દૂર થઈ જાય છે.

આવતીકાલે મહાશિવરાત્રીના પવિત્ર પર્વે નીલકંઠેશ્વર મહાદેવનો વિશેષ શૃંગાર અને ભસ્મ આરતી કરવામાં આવશે. ઈન્દોર અને આસપાસના વિસ્તારોમાંથી લાખો લોકો આ રહસ્યમય શિવલિંગના દર્શન કરવા ઉમટી પડશે. વિજ્ઞાન ભલે આને ભૌગોલિક પ્રક્રિયા ગણાવે, પરંતુ ભક્તો માટે તો આ શિવલિંગમાંથી ખરતા પથ્થરો અને અપરિવર્તિત કદ એ ભોલેનાથનો સાક્ષાત્કાર જ છે. જો તમે પણ કોઈ અનોખા અનુભવની શોધમાં હોવ, તો આ શિવરાત્રીએ કાકવા ગામના આ દ્વારપાળ મહાદેવના શરણે જવું એક લ્હાવો છે.

(10:55 PM IST)