News of Saturday, 14th February 2026
મહાદેવની નગરી કાશીમાં ‘મહા-ઉત્સવ’: શિવરાત્રી પર બાબા વિશ્વનાથના દરબારમાં સતત 26 કલાક ગુંજશે હર હર મહાદેવ! 20 લાખ ભક્તો માટે લાલ જાજમ અને પુષ્પવર્ષાની તૈયારી
બાબા વિશ્વનાથ રુદ્રાક્ષ અને ડ્રાય ફ્રૂટ્સના ‘સેહરા’માં સજ્જ થઈ આપશે દર્શન; સુરક્ષા માટે કમાન્ડો અને ડ્રોન તૈનાત, વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર

કાશી : સનાતન ધર્મની આસ્થાના કેન્દ્ર અને ભગવાન શિવની અત્યંત પ્રિય એવી કાશી નગરી મહાશિવરાત્રી ૨૦૨૬ના પર્વને ઉજવવા માટે દુલ્હનની જેમ સજીને તૈયાર છે. આવતીકાલે એટલે કે ૧૫ ફેબ્રુઆરી, રવિવારના રોજ મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટશે. આ વર્ષે પ્રશાસન દ્વારા ૧૫ થી ૨૦ લાખ ભક્તો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
26 કલાક સુધી ભક્તો માટે ખુલ્લા રહેશે દ્વાર
બાબા વિશ્વનાથના ધામમાં આ વખતે ભક્તિનો અનોખો સંગમ જોવા મળશે. રવિવારે વહેલી સવારે મંગળા આરતી સાથે મંદિરના દ્વાર ખુલશે અને ત્યાર બાદ સતત ૨૬ કલાક સુધી ભક્તો બાબાના દર્શન અને પૂજા કરી શકશે. ભક્તોની સુવિધા માટે મંદિર પરિસરમાં લાલ જાજમ બિછાવવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટર કે ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવાની પણ યોજના છે. કાશીની ગલીઓ અત્યારે ભોલેનાથના જયઘોષથી ગુંજી રહી છે.
બાબાનો અનોખો શણગાર: ડ્રાય ફ્રૂટ્સ અને રુદ્રાક્ષનો મુગટ
મહાશિવરાત્રી એટલે શિવ-શક્તિના મિલનનો ઉત્સવ. આ પવિત્ર દિવસે ભગવાન વિશ્વનાથને વિશેષ પોશાક પહેરાવવામાં આવશે. બાબાના મસ્તક પર સૂકા મેવા (ડ્રાય ફ્રૂટ્સ) અને રુદ્રાક્ષની માળાઓથી બનેલો ભવ્ય મુગટ સજાવવામાં આવશે. આ મનમોહક સ્વરૂપના દર્શન કરવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ કાશી પહોંચ્યા છે. ગંગા ઘાટ પર પણ દીપદાન અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત: કમાન્ડો અને ડ્રોનથી નજર
લાખોની ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. મંદિરના ૨ કિલોમીટરના કાર્યક્ષેત્રમાં અર્ધલશ્કરી દળો અને પોલીસ કમાન્ડો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ભીડ પર બાજ નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ભક્તોને લાઈનમાં ઉભા રહેવા માટે વોટરપ્રૂફ ટેન્ટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશાસનનો દાવો છે કે દરેક ભક્તને સુરક્ષિત અને સરળ રીતે બાબાના દર્શન થાય તે માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
