<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

અજિત પવાર પ્લેન ક્રેશ: ‘આ અકસ્માત છે કે કાવતરું?’ રોહિત પવારે અમિતભાઈ શાહને પત્ર લખી તપાસની કરી માંગ; ખાનગી એરલાઇન VSR ને બ્લેકલિસ્ટ કરવા આક્રમક રજૂઆત

બારામતી દુર્ઘટના પાછળ ષડયંત્રની શંકા સાથે રોહિત પવાર મેદાનમાં; DGCA અને ઉડ્ડયન મંત્રીને ઈમેલ કરી સત્ય બહાર લાવવા વિનંતી, ‘રાજકીય પ્રભાવ હેઠળ કાર્યવાહી ટાળી રહી છે સરકાર?’

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ૨૮ જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા વિમાન અકસ્માતને લઈને NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શનિવારે રોહિત પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને આ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગણી કરી છે.

ષડયંત્રની આશંકા અને વિદેશી મીડિયાના અહેવાલો

રોહિત પવારે સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ તપાસની માંગ પાછળ કોઈ રાજકીય હેતુ નથી પરંતુ સત્ય બહાર લાવવાનો નમ્ર પ્રયાસ છે. તેમણે અગાઉ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના વિમાન અકસ્માત અંગેના વિદેશી મીડિયા અહેવાલોને ટાંકીને બારામતીની ઘટનામાં પણ કોઈ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે, AAIB (એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) એ હજુ તપાસ ચાલુ હોવાનું જણાવી અટકળોને ભ્રામક ગણાવી છે.

ખાનગી કંપની VSR સામે કાર્યવાહીની માંગ

રોહિત પવારે અકસ્માતમાં સંડોવાયેલી ખાનગી એરલાઇન કંપની 'VSR' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "જો નબળા કામ કરનાર સિવિલ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી શકાતા હોય, તો જીવના જોખમે વિમાન ઉડાડતી કંપની સામે કાર્યવાહી કેમ નહીં?" તેમણે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે શું કંપનીના માલિકોના પ્રભાવ હેઠળ આવીને સરકાર તપાસ અને કાર્યવાહી કરવાનું ટાળી રહી છે?

સુનેત્રા પવાર સંભાળશે NCP ની કમાન

એક તરફ તપાસની માંગ તેજ બની છે, બીજી તરફ પક્ષના નેતૃત્વને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. અજિત પવારના નિધન બાદ હવે તેમના પત્ની અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર NCP ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળશે તે લગભગ નક્કી છે. પ્રફુલ્લ પટેલે સ્પષ્ટ કર્યું છે કે સુનેત્રા પવાર જ આ પદ માટે એકમાત્ર ઉમેદવાર છે. આમ, ૨૬ વર્ષ જૂની આ પાર્ટીમાં સુનેત્રા પવાર પ્રથમ મહિલા પ્રમુખ બનીને પક્ષનું સુકાન સંભાળશે.

(11:29 PM IST)