News of Saturday, 14th February 2026
સોના-ચાંદીના રોકાણકારો માટે મોટા સમાચાર: SEBI બદલવા જઈ રહી છે ગોલ્ડ-સિલ્વર ETF ના નિયમો; હવે આંતરરાષ્ટ્રીય માર્કેટની વધઘટ મુજબ ભારતમાં ખુલશે બજાર!
NAV અને કિંમત વચ્ચેના મોટા તફાવતને રોકવા સેબીનો માસ્ટર પ્લાન: ±20% ની ફિક્સ્ડ પ્રાઇસ બેન્ડ દૂર કરી ‘ડાયનેમિક બેન્ડ’ લાગુ કરવાનો પ્રસ્તાવ; પ્રી-ઓપન સેશનથી રોકાણકારોને થશે મોટો ફાયદો

મુંબઈ: ભારતીય શેરબજારના નિયમનકાર સેબી (SEBI) એ સોના અને ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) માં રોકાણ કરનારા લાખો રોકાણકારોના હિતમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં થતી સતત વધઘટ અને ભારતીય ETF ના ભાવ વચ્ચેના અંતરને ઘટાડવા માટે સેબીએ ૧૪ ફેબ્રુઆરી, ૨૦2૬ ના રોજ એક મહત્વપૂર્ણ કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે.
કેમ નિયમોમાં ફેરફાર જરૂરી બન્યો?
તમને જણાવી દઈએ કે વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીનો વેપાર લગભગ ૨૪ કલાક ચાલે છે, જ્યારે ભારતમાં ETF માત્ર શેરબજારના કલાકો દરમિયાન જ ખરીદી કે વેચી શકાય છે. આના કારણે ઘણીવાર એવું બને છે કે આંતરરાષ્ટ્રીય ભાવ આસમાને પહોંચી જાય, પણ ભારતીય ETF ની કિંમત જૂના NAV ના આધારે મર્યાદિત રહે. આ વિસંગતતા દૂર કરવા માટે હવે નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
ફિક્સ્ડ બેન્ડની જગ્યાએ હવે ‘ડાયનેમિક’ સિસ્ટમ
હાલમાં સોના-ચાંદીના ETF માં ±૨૦% ની ફિક્સ્ડ પ્રાઇસ બેન્ડ હોય છે. સેબીએ પ્રસ્તાવ મૂક્યો છે કે આ ફિક્સ્ડ બેન્ડને હટાવીને ‘ડાયનેમિક પ્રાઇસ બેન્ડ’ લાગુ કરવામાં આવે. નવા નિયમ મુજબ, શરૂઆતી મર્યાદા ±૬% રાખવામાં આવશે, જે બજારની અસ્થિરતા મુજબ તબક્કાવાર વધારીને ૨૦% સુધી લઈ જઈ શકાશે. દરેક ફેરફાર પછી ૧૫ મિનિટનો ‘કૂલિંગ-ઓફ’ સમય અપાશે જેથી બજાર સ્થિર થઈ શકે.
નવું પ્રી-ઓપન સત્ર અને કડક શરતો
સેબીએ સોના-ચાંદીના ETF માટે એક અલગ ‘પ્રી-ઓપન’ સત્ર શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી ફાયદો એ થશે કે જ્યારે સવારે ભારતીય બજાર ખુલે, ત્યારે ભાવ પહેલેથી જ વૈશ્વિક ભાવ સાથે તાલમેલ મિલાવી ચૂક્યા હશે, જેનાથી મોટા ગેપ-અપ કે ગેપ-ડાઉનનો ખતરો ઓછો થશે. આ ઉપરાંત, ભાવમાં થતી કૃત્રિમ વધઘટ રોકવા માટે સેબીએ ઓછામાં ઓછા ૫૦ ટ્રેડ અને ૧૦ અલગ ક્લાયન્ટ્સની ભાગીદારી જેવી કડક શરતો પણ મૂકી છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
