News of Sunday, 15th February 2026
મોતનો સ્વાદ ચાખવાની જીવલેણ જિજ્ઞાસા: પાંચ સખીઓએ સાથે ઝેર પીધું, ચારની ચિતા એકસાથે સળગી!
બિહારના ઔરંગાબાદમાં કંપારી છૂટી જાય તેવી ઘટના; 'જોઈએ તો ખરા કેવા મરી જવાય છે' કહીને પાંચ કિશોરીઓએ ઝેર ગળ્યું, બચી ગયેલી પાંચમી છોકરીએ ખોલી મોતની ભયાનક કહાની

ઔરંગાબાદ (બિહાર):બિહારના ઔરંગાબાદ જિલ્લાના દાઉદનગર સબડિવિઝનમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને પથ્થર હૃદયના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. માત્ર ૧૨ થી ૧૫ વર્ષની પાંચ સગીર સખીઓએ રમત-રમતમાં અને 'ઝેરનો સ્વાદ કેવો હોય છે' તે જાણવાની જિજ્ઞાસામાં મોતની પરીક્ષા આપી. આ ભયાનક 'ટેસ્ટ'માં ચાર માસૂમ છોકરીઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે પાંચમી છોકરીએ સમયસૂચકતા વાપરી ઝેર થૂંકી દેતા તેનો જીવ બચ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે પરિવારે પોલીસને જાણ કર્યા વગર જ ચારેય મૃતદેહોને એક જ ચિતા પર અગ્નિસંસ્કાર આપી દીધા હતા, જેના કારણે આ આખી ઘટના રહસ્યના ઘેરામાં આવી ગઈ છે.
પોલીસ તપાસમાં બચી ગયેલી કિશોરીએ જે ખુલાસો કર્યો તે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. તેણે જણાવ્યું કે તે દિવસે પાંચેય સખીઓ ખેતરમાં એકઠી થઈ હતી. એક સખીએ બગલા મારવા માટે વપરાતી ઝેરી દવા બતાવીને કહ્યું, "ચાલો જોઈએ આનો સ્વાદ કેવો છે." જ્યારે બીજી સખીએ ડર બતાવ્યો, ત્યારે તેને એમ કહીને ઉશ્કેરવામાં આવી કે "ચાલ જોઈએ તો ખરા કે આ ખાવાથી ખરેખર મરી જવાય છે કે નહીં?" આ જીવલેણ પડકારને સ્વીકારી પાંચેયે પાણી સાથે ઝેર ગળી લીધું. જેવી પહેલી સખી બેભાન થઈ, પાંચમી છોકરી ગભરાઈ ગઈ અને તેણે ઝેર બહાર કાઢી નાખ્યું. તે ભાગીને ઘરે પહોંચી અને પરિવારે તેને ઉલટી કરાવી બચાવી લીધી, પણ ખેતરમાં બાકીની ચાર સખીઓ દમ તોડી ચૂકી હતી.
જોકે, આ મામલે પોલીસ અને પરિવારના નિવેદનોમાં મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. દાઉદનગરના એસડીપીઓ અશોક કુમાર દાસના જણાવ્યા મુજબ, આ માત્ર 'સ્વાદ ચાખવાની' જિજ્ઞાસા નહોતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ છોકરીઓને અગાઉની સાંજે કેટલાક છોકરાઓ સાથે જોવામાં આવી હતી, જેના કારણે પરિવારે તેમને સખત ઠપકો આપ્યો હતો. પોલીસને શંકા છે કે સામાજિક બદનામી અને પરિવારના ડરથી આ કિશોરીઓએ સામૂહિક આત્મહત્યાનું પગલું ભર્યું હોઈ શકે છે. બીજી તરફ, મૃતક છોકરીઓના પિતા આ વાતને નકારી રહ્યા છે અને તેને માત્ર એક અકસ્માત ગણાવી રહ્યા છે.
મૃતક ચારેય છોકરીઓ અત્યંત ગરીબ શ્રમિક પરિવારોની હતી, જેમના પિતા આજીવિકા માટે બીજા રાજ્યોમાં મજૂરી કરે છે. આ ઘટનાએ સમગ્ર બિહારને હચમચાવી દીધું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે જો આ માત્ર અકસ્માત હતો, તો પરિવારે પોલીસને જાણ કર્યા વગર ઉતાવળે અગ્નિસંસ્કાર કેમ કર્યા? શું પરિવાર કોઈ વાત છુપાવી રહ્યો છે? હાલમાં બચી ગયેલી છોકરીના નિવેદનના આધારે સત્ય શોધવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટના એવા અનેક સવાલો છોડી ગઈ છે કે શું આજની પેઢીમાં જીવનું મૂલ્ય જિજ્ઞાસા કરતા પણ ઓછું થઈ ગયું છે?
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
