<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

૩ પત્નીઓ, ૬ બેંક ખાતા અને 'ઝીરો' બેલેન્સ: ગાઝિયાબાદની ૩ બહેનોના સામુહિક આત્મહત્યા પાછળનું કરુણ સત્ય, પિતાનો વૈભવ કેવી રીતે લોન અને ઉધારમાં ફેરવાયો?

એક સમયે જે ખાતામાં કરોડોના વ્યવહારો થતા તેમાં આજે માત્ર ૩૯ પૈસા! શેરબજારમાં બરબાદ થયેલા ચેતને બે દીકરીઓના ફોન પણ વેચી દીધા હતા; કોરિયન કલ્ચરના ક્રેઝ અને આર્થિક તંગી વચ્ચે ૩ માસૂમ જિંદગીઓ હોમાઈ

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલી 'ભારત સિટી સોસાયટી'ના ૯મા માળેથી કૂદીને આત્મહત્યા કરનાર ત્રણ સગીર બહેનોના કેસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે જ્યારે આ પરિવારની કુંડળી અને બેંક ખાતાઓની તપાસ કરી, ત્યારે એક એવા મધ્યમવર્ગીય પરિવારની કહાની સામે આવી છે જે બહારથી સુખી દેખાતો હતો, પણ અંદરથી દેવાના ડુંગર નીચે દબાયેલો હતો.
કરોડોના આસામીમાંથી દેવાદાર બનવાની સફર
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરીઓના પિતા ચેતન એક સમયે પ્રોપર્ટી ડીલિંગ અને વાહનોના લે-વેચના વ્યવસાયમાં મોટું નામ ધરાવતા હતા. વર્ષ ૨૦૦૭થી સક્રિય તેમના બેંક ખાતાઓમાં અગાઉ કરોડો રૂપિયાના વ્યવહારો થયા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમનો વ્યવસાય ઠપ થઈ ગયો હતો અને તેઓ માત્ર શેર ટ્રેડિંગ પર નિર્ભર હતા. પોલીસે તપાસેલા ૬ બેંક ખાતાઓમાંથી મોટાભાગના ખાતા છેલ્લા બે વર્ષથી નિષ્ક્રિય છે. ચેતનની પત્ની હિનાના ખાતામાં તો માત્ર ૩૯ પૈસા જ મળી આવ્યા છે, જે પરિવારની અત્યંત દયનીય આર્થિક સ્થિતિનો પુરાવો આપે છે.
૩ પત્નીઓનું ભરણપોષણ અને લોનનો ફાંસો
ચેતને ત્રણ લગ્ન કર્યા હતા અને તે પોતાની ત્રણેય પત્નીઓ સાથે રહેતો હતો. ઘરનું ગુજરાન ચલાવવા માટે તે ૨૦૧૬થી સતત ક્રેડિટ કાર્ડ અને બેંકો પાસેથી લોન લઈ રહ્યો હતો. પોલીસે શોધી કાઢ્યું છે કે તેણે નાની-મોટી ૧૦ જેટલી લોન લીધી હતી. આર્થિક ભીંસ એટલી હદે વધી ગઈ હતી કે તેણે પોતાની બે દીકરીઓના મોબાઈલ ફોન પણ વેચી માર્યા હતા. તે પોતાના ભાઈ વિષ્ણુ પાસેથી દર મહિને ઘર ખર્ચ માટે પૈસા ઉછીના લેવા મજબૂર બન્યો હતો.
કોરિયન ગેમ્સ અને આત્મહત્યાનું રહસ્ય
૩ ફેબ્રુઆરીની એ કાળી રાત્રે ૧૨ થી ૧૬ વર્ષની ત્રણ સગીર બહેનોએ જ્યારે નવમા માળેથી મોતની છલાંગ લગાવી, ત્યારે આખું શહેર સ્તબ્ધ થઈ ગયું હતું. સુસાઈડ નોટમાં જાણવા મળ્યું છે કે આ છોકરીઓ કોરિયન ગેમ્સ અને કોરિયન સંસ્કૃતિથી ભારે પ્રભાવિત હતી. તેઓ પિતા પાસે વારંવાર કોરિયા જવાની જીદ કરતી હતી, પરંતુ ગરીબીમાં જીવતા પિતા માટે આ શક્ય નહોતું. ફોન વેચાઈ જવાથી અને પિતાની આર્થિક લાચારી જોઈને છોકરીઓએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે.
ટીલા મોડ પોલીસ સ્ટેશનની ટીમ હવે આ કેસમાં અંતિમ અહેવાલ તૈયાર કરી રહી છે. એક સમયનો કરોડપતિ ટ્રેડર કેવી રીતે ૩૭ હજાર રૂપિયાના બેલેન્સ પર આવી ગયો અને કયા સંજોગોએ ૩ દીકરીઓને મરવા મજબૂર કરી, તેની ઝીણવટભરી તપાસ હજુ પણ ચાલી રહી છે.

(9:54 PM IST)