<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ટેક-વર્લ્ડમાં મોટું ‘બ્રેક-અપ’: લાખો યુઝર્સ ChatGPT ને કહી રહ્યા છે બાય-બાય! સબ્સ્ક્રિપ્શન રદ કરવાની હોડ પાછળ શું છે ટ્રમ્પ કનેક્શન?

#QuitGPT ઝુંબેશથી OpenAI ના હોશ ઉડ્યા: ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન એજન્સી રિઝ્યુમ સ્ક્રીનિંગ માટે ChatGPT નો ઉપયોગ કરતી હોવાનો ખુલાસો; પ્રાયવસીના નામે 17,000 થી વધુ યુઝર્સે છોડ્યો સાથ

વોશિંગ્ટન : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં એકચક્રી શાસન ભોગવતા ChatGPT સામે હવે યુઝર્સે મોરચો માંડ્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેક જાયન્ટ કંપનીઓ વચ્ચે વધી રહેલી નિકટતા હવે OpenAI માટે મુસીબત બની રહી હોય તેમ જણાય છે. સોશિયલ મીડિયા પર હાલમાં ‘Quit ChatGPT’ ઝુંબેશ તેજ બની છે, જેમાં માત્ર ગણતરીના દિવસોમાં જ 17,000 થી વધુ યુઝર્સે તેમના પેઇડ સબ્સ્ક્રિપ્શન રદ કરી દીધા છે.

અંગત ડેટા પર ટ્રમ્પ સરકારની નજર?

આ વિરોધ પાછળનું મુખ્ય કારણ અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી દ્વારા OpenAI ના ટૂલનો ઉપયોગ છે. અહેવાલો અનુસાર, ઇમિગ્રેશન એજન્સી હવે ChatGPT-4 આધારિત રિઝ્યુમ સ્ક્રીનિંગ ટૂલનો ઉપયોગ કરી રહી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા યુઝર્સમાં ફાળ પડી છે કે તેમની અંગત માહિતી અને ડેટા પર ટ્રમ્પ પ્રશાસન ચાંપતી નજર રાખી રહ્યું છે. ખાસ કરીને ટેક વર્કર્સ, લેબર એડવોકેટ્સ અને ક્લાઇમેટ ઓર્ગેનાઇઝર્સ આ પ્રાયવસી ભંગના ડરથી સબ્સ્ક્રિપ્શન રદ કરી રહ્યા છે.

OpenAI ના પ્રમુખનું 113 કરોડનું ‘પોલિટિકલ ડોનેશન’

આ વિવાદમાં ઘી હોમવાનું કામ OpenAI ના પ્રમુખ ગ્રેગ બ્રોકમેને કર્યું છે. જાણવા મળ્યું છે કે બ્રોકમેન અને તેમના પત્નીએ ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપતી પોલિટિકલ એક્શન કમિટી (PAC) ને 12.5 મિલિયન ડોલર (આશરે 113 કરોડ રૂપિયા) નું તોતિંગ દાન આપ્યું છે. આ દાન બાદ યુઝર્સને લાગી રહ્યું છે કે કંપની હવે તટસ્થ રહેવાને બદલે રાજકીય પક્ષપાત કરી રહી છે, જેનો ટેકો આપવો નાણાકીય રીતે જોખમી સાબિત થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર ‘સ્ક્રીનશોટ વોર’

ઇન્સ્ટાગ્રામ અને રેડિટ જેવા પ્લેટફોર્મ પર યુઝર્સ સબ્સ્ક્રિપ્શન રદ કર્યા બાદ તેના સ્ક્રીનશોટ પોસ્ટ કરી રહ્યા છે. માર્કેટિંગ પ્રોફેસર સ્કોટ ગેલોવેના એક વિડિયોથી પ્રેરાઈને શરૂ થયેલી આ ઝુંબેશ હવે ગ્લોબલ બની રહી છે. જોકે, હજુ સુધી OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેન કે કંપની તરફથી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ આ આર્થિક ફટકો કંપનીને તેની નીતિઓ પર વિચાર કરવા મજબૂર કરી શકે છે.

(11:36 PM IST)