તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 15th February 2026
ભારતનો 'જળ-પ્રહાર': પાકિસ્તાન પર પાણીકાપની તૈયારી? ૪૦ વર્ષ જૂનો પ્રોજેક્ટ ફરી જીવંત
ઝેલમ નદી પર 'તુલબુલ પ્રોજેક્ટ' દ્વારા ભારત વધારશે કન્ટ્રોલ; સિંધુ જળ સંધિ નિલંબિત થતા પાકિસ્તાનના શ્વાસ અધ્ધર

નવી દિલ્હી/શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યારે 'ઓપરેશન સિંદૂર' બાદ ભારે તણાવ છે, પરંતુ અસલી ખેલ હવે પાણી પર શરૂ થયો છે. ચાર દાયકા સુધી ધૂળ ખાતો રહેલો ઝેલમ નદી પરનો 'વુલર બેરાજ' (તુલબુલ પ્રોજેક્ટ) હવે ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ૧૯૮૦ના દાયકાથી અટવાયેલો આ પ્રોજેક્ટ ભારતની બદલાતી વિદેશ નીતિ અને આક્રમક વ્યૂહરચનાનો સૌથી મોટો પુરાવો છે. અત્યાર સુધી ભારત 'સિંધુ જળ સંધિ'ના બંધનોને કારણે પાકિસ્તાન જતું પાણી રોકતું નહોતું, પરંતુ હવે સંધિ નિલંબિત થતા ભારતે ઝેલમ નદીના પ્રવાહ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાની કવાયત તેજ કરી છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં આ પ્રોજેક્ટને પુનર્જીવિત કરવાની જાહેરાત કરીને પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વુલર તળાવ પાસે બનનારો આ બેરાજ માત્ર જળ સંચાલન માટે નથી, પણ યુદ્ધ જેવી સ્થિતિમાં પાકિસ્તાન તરફ વહેતા પ્રવાહને ડાયવર્ટ કરવાની શક્તિ પણ ભારતને આપશે. આ પ્રોજેક્ટથી શિયાળામાં જ્યારે નદીનું સ્તર ઘટી જાય છે, ત્યારે પાણીનો સંગ્રહ કરીને જમ્મુ-કાશ્મીરમાં સિંચાઈ અને વીજળીની અછત દૂર કરવામાં આવશે. અગાઉ એશિયન બેંકે પણ આ પ્રોજેક્ટ માટે ફંડિંગની તૈયારી બતાવી હતી, પરંતુ પાકિસ્તાનના વિરોધને કારણે મામલો અટકી પડ્યો હતો.
આર્થિક દૃષ્ટિએ જોઈએ તો, વુલર તળાવનું પાણી સ્થિર રહેવાથી સ્થાનિક માછીમારો અને પ્રવાસન ઉદ્યોગને નવું જીવન મળશે. પરંતુ પાકિસ્તાન માટે આ સમાચાર કોઈ મોટા આંચકાથી ઓછા નથી, કારણ કે તેની ખેતી અને અર્થતંત્રનો મોટો હિસ્સો આ નદીઓના પાણી પર ટકેલો છે. ભારત હવે સાબિત કરી રહ્યું છે કે તે માત્ર સરહદ પર જ નહીં, પણ સંસાધનોના મામલે પણ 'નેબરહુડ ફર્સ્ટ'ની સાથે 'ઈન્ડિયા ફર્સ્ટ'ની નીતિ પર મક્કમ છે. આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટની ગતિ ભારત-પાકિસ્તાન સંબંધોની નવી દિશા નક્કી કરશે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
