News of Sunday, 15th February 2026
શેરબજારના નામે ખેલ: દુબઈથી ચાલતું આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેમ પકડાયું, કિંગપિન ઠક્કર ગોવા એરપોર્ટ પરથી ઝબ્બે
નકલી એપ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા ૬૧ લાખની છેતરપિંડી; અમદાવાદના ૮૦ સિમકાર્ડ અને જૂનાગઢની શેલ કંપનીઓનો પર્દાફાશ

પણજી/દિલ્હી: શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાના સપના જોતા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. દિલ્હી પોલીસે એક એવા હાઈ-ટેક આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેણે આખું 'ફેક સ્ટોક માર્કેટ' ઉભું કરી દીધું હતું. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રોનક જગદીશભાઈ ઠક્કર દુબઈથી આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો, જેની ગોવા એરપોર્ટ પરથી ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના તાર મુંબઈ, સુરત, અમદાવાદ અને જૂનાગઢ સુધી ફેલાયેલા છે.
આ ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત અત્યાધુનિક હતી. તેઓ સોશિયલ મીડિયા પર જાહેરાતો દ્વારા લોકોને ટાર્ગેટ કરતા અને ત્યારબાદ તેમને એક વોટ્સએપ ગ્રુપમાં જોડતા હતા. પોતાની ઓળખ જાણીતી કંપની 'મેસર્સ ગ્લોબ કેપિટલ' ના પ્રતિનિધિ તરીકે આપીને તેઓ પીડિતોને એક ફેક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા. રાજસ્થાનના એક પીડિતે જ્યારે આ એપમાં રોકાણ કર્યું, ત્યારે તેને શરૂઆતમાં મોટું રિટર્ન દેખાડવામાં આવ્યું, પરંતુ જ્યારે તેણે ૬૧ લાખ રૂપિયા ગુમાવ્યા ત્યારે ખબર પડી કે તે જે ગ્રાફ અને આંકડા જોતો હતો તે બધું જ નકલી હતું.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ કૌભાંડમાં વપરાયેલા ૮૧ સિમકાર્ડ અમદાવાદથી જારી કરવામાં આવ્યા હતા. ઠગાઈના નાણાં જૂનાગઢ અને શ્રીનગરની બોગસ (શેલ) કંપનીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સ્કેમનો માસ્ટરમાઈન્ડ ક્રિશ હસમુખભાઈ શાહ હોવાનું બહાર આવ્યું છે, જે દુબઈમાં બેસીને રોનક ઠક્કર જેવા એજન્ટો દ્વારા કમિશન પર આ ખેલ ખેલતો હતો. પોલીસે દરોડા દરમિયાન ૨૪ મોબાઈલ, બનાવટી સ્ટેમ્પ અને અનેક ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા છે. આ ધરપકડ બાદ હવે સાયબર ક્રાઈમની આ આંતરરાષ્ટ્રીય લિંકને તોડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
