News of Sunday, 15th February 2026
ઇતિહાસના પાનેથી રાજકીય જંગ: ટીપુ સુલતાનની વીંટી પર 'રામ'ના નામે ઓવૈસીનો ભાજપ પર પ્રહાર
શિવાજી મહારાજ સાથે સરખામણી કરતા મહારાષ્ટ્રમાં ભારે હોબાળો; ફડણવીસે 'શરમજનક' ગણાવ્યું તો ઓવૈસીએ કલામ અને ગાંધીજીના પુરાવા ટાંક્યા

નાગપુર/બુલઢાણા: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ૧૮મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાનને લઈને એક મોટો જંગ છેડાયો છે. વિવાદની શરૂઆત કોંગ્રેસ નેતા હર્ષવર્ધન સપકલના એક નિવેદનથી થઈ, જેમાં તેમણે ટીપુ સુલતાનની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી નાખી. આ નિવેદને ભાજપ અને શિવસેનાને લાલચોળ કરી દીધા છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સરખામણીને નિંદનીય ગણાવી સપકલને માફી માંગવા લલકાર્યા છે. ફડણવીસે સ્પષ્ટ કર્યું કે મહારાષ્ટ્રની જનતા શિવાજી મહારાજનું આવું અપમાન ક્યારેય સહન નહીં કરે.
આ વિવાદમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એન્ટ્રી કરીને આખા મામલાને નવો વળાંક આપ્યો છે. ઓવૈસીએ ભાજપ પર વળતો પ્રહાર કરતા સવાલ કર્યો કે, "શું એ સત્ય નથી કે ટીપુ સુલતાન પાસે જે વીંટી મળી હતી તેના પર 'રામ' લખેલું હતું?" તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના પુસ્તક 'વિંગ્સ ઓફ ફાયર'નો ઉલ્લેખ કરીને કહ્યું કે ટીપુ સુલતાન રોકેટ ટેકનોલોજીના પિતા હતા. ઓવૈસીએ વધુમાં ઉમેર્યું કે ટીપુએ સાવરકરની જેમ અંગ્રેજોને માફી પત્રો નહોતા લખ્યા, પરંતુ ૧૭૯૯માં રણમેદાનમાં શહીદ થયા હતા. બ્રિટિશ સેના પણ મરેલા સિંહ (ટીપુ) થી એટલી ડરતી હતી કે દોઢ કલાક સુધી તેના મૃતદેહની નજીક જવાની કોઈની હિંમત નહોતી ચાલી.
મહાત્મા ગાંધીના 'યંગ ઈન્ડિયા' મેગેઝિનનો હવાલો આપતા ઓવૈસીએ ટીપુને હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક ગણાવ્યા અને કહ્યું કે તેમના સેનાપતિ અપ્પાજી રામ અને સલાહકાર કૃષ્ણ રાવ હતા. જોકે, ભાજપ અને હિન્દુ સંગઠનો આ દલીલોને નકારી રહ્યા છે અને ટીપુ સુલતાનને ક્રૂર શાસક તરીકે રજૂ કરી રહ્યા છે. અત્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં આ મુદ્દે ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. કોંગ્રેસના સાથી પક્ષો આ વિવાદથી અંતર જાળવી રહ્યા છે, જ્યારે ભાજપ આ મુદ્દે કોંગ્રેસને ઘેરવાની એક પણ તક છોડવા માંગતું નથી. ભારતના બંધારણના પુસ્તકમાં પણ ટીપુનો ફોટો હોવાનો દાવો કરીને ઓવૈસીએ આ લડાઈને ઇતિહાસ વિરુદ્ધ વર્તમાનની લડાઈ બનાવી દીધી છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
