News of Sunday, 15th February 2026
રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે રશિયા ગંભીર છે કે નહીં તે અંગે અમેરિકા સાશંક : ભારતે રશિયા પાસેથી વધારાનું તેલ ન ખરીદવાની ખાતરી આપી
મ્યુનિક સુરક્ષા પરિષદમાં માર્કો રુબિયોનું મોટું નિવેદન : રશિયા પર આર્થિક દબાણ વધારવા અમેરિકાના નવા પ્રતિબંધો : જ્યારે સૈન્ય સ્તરે મંત્રણાના દોર વચ્ચે યુક્રેનને સૈન્ય સહાય ચાલુ રાખવાની જાહેરાત

મ્યુનિક : જર્મનીમાં આયોજિત મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રશિયા-યુક્રેન યુદ્ધ અને રશિયા પરના આર્થિક પ્રતિબંધોને લઈને મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. રુબિયોએ જણાવ્યું હતું કે, રશિયા યુદ્ધ સમાપ્ત કરવા વિશે ગંભીર છે કે નહીં તે અંગે વોશિંગ્ટન હજુ અનિશ્ચિત છે. આ સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અમેરિકાએ ભારત પાસેથી રશિયન તેલની વધારાની ખરીદી ન કરવા અંગેની પ્રતિબદ્ધતા મેળવી લીધી છે.
રશિયા પર દબાણ અને ભારતની ભૂમિકા
અમેરિકી વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, અમેરિકાએ રશિયાના તેલ નિકાસ પર વધારાના પ્રતિબંધો લાદ્યા છે. આ સંદર્ભમાં ભારત સાથે થયેલી ચર્ચામાં નવી દિલ્હીએ ખાતરી આપી છે કે તેઓ રશિયા પાસેથી તેલની વધારાની ખરીદી કરશે નહીં. રશિયાની આર્થિક કમર તોડવા માટે અમેરિકા ભારત અને યુરોપ જેવા ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી રશિયાને યુદ્ધ માટે મળતું ભંડોળ અટકાવી શકાય.
શાંતિ મંત્રણા અને શરતોનો વિવાદ
યુદ્ધના અંત અંગે રુબિયોએ કહ્યું કે, રશિયાએ સંઘર્ષ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ પ્રશ્ન એ છે કે તેમની શરતો યુક્રેનને સ્વીકાર્ય હશે કે નહીં. અમેરિકા હાલમાં એ તપાસી રહ્યું છે કે શું બંને દેશોને મંજૂર હોય તેવો કોઈ ઉકેલ શક્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ સમાધાન "ન્યાયી અને ટકાઉ" હોવું જોઈએ. ગત સપ્તાહે બંને પક્ષના સૈન્ય અધિકારીઓ વચ્ચે ટેકનિકલ સ્તરની બેઠક યોજાઈ હતી અને આગામી સમયમાં વધુ બેઠકોની પણ શક્યતા છે.
સૈન્ય સહાયમાં કોઈ કાપ નહીં
માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું હતું કે, શાંતિ મંત્રણાના પ્રયાસો વચ્ચે યુક્રેનને આપવામાં આવતી અમેરિકી સૈન્ય સહાયમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કે વિલંબ કરવામાં આવ્યો નથી. રશિયા પરનું દબાણ સતત ચાલુ છે અને યુક્રેનને પોતાનો બચાવ કરવા માટે તમામ જરૂરી સંસાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. અમેરિકા રાજદ્વારી માર્ગે યુદ્ધનો અંત લાવવા માટેના પ્રયાસો ચાલુ રાખશે, પરંતુ તે સાથે સૈન્ય સજ્જતામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
યુરોપિયન દેશોએ પણ રશિયા વિરુદ્ધ કડક પગલાં લીધા હોવાનું જણાવી રુબિયોએ ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય રશિયાને અલગ-થલગ કરવા માટે એકજૂથ છે. ભારતની આ નવી પ્રતિબદ્ધતા રશિયા માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે તેમ નિષ્ણાતો માની રહ્યા છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
