<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

અવકાશમાં દેખાયો રહસ્યમય 'લોખંડી સળિયો': શું પૃથ્વીના વિનાશના સંકેત છે? વૈજ્ઞાનિકોની શોધથી હલચલ

૨,૩૦૦ પ્રકાશ-વર્ષ દૂર રિંગ નેબ્યુલામાં મળ્યું વિશાળ ધાતુનું માળખું; સૂર્યના અંત સમયે પૃથ્વીનું શું થશે તેનું ખુલશે રહસ્ય

લંડન: બ્રહ્માંડ હંમેશા આપણને આશ્ચર્યચકિત કરતું રહ્યું છે, પરંતુ તાજેતરમાં મળેલી એક શોધે ખગોળશાસ્ત્રીઓને પણ વિચારતા કરી દીધા છે. વૈજ્ઞાનિકોએ અવકાશના ઊંડાણમાં આયનાઇઝ્ડ લોખંડી પરમાણુઓથી બનેલું એક અત્યંત વિશાળ અને રહસ્યમય 'સળિયા' જેવું માળખું શોધી કાઢ્યું છે. આ કોઈ નાની-મોટી વસ્તુ નથી, પરંતુ કદમાં પ્લુટોની ભ્રમણકક્ષા કરતા પણ સેંકડો ગણી મોટી રચના છે. 'રિંગ નેબ્યુલા' નામના વિસ્તારમાં જોવા મળેલી આ લોખંડી આકૃતિ પૃથ્વીથી અંદાજે ૨,૩૦૦ પ્રકાશ-વર્ષ દૂર સ્થિત છે. આ શોધે પૃથ્વીના ભવિષ્ય અને આપણા સૂર્યના સંભવિત અંત અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

કાર્ડિફ યુનિવર્સિટી અને યુનિવર્સિટી કોલેજ લંડનના નિષ્ણાતોએ 'WEAVE' નામના અત્યાધુનિક સ્પેક્ટ્રોસ્કોપિક ઉપકરણની મદદથી આ કમાલ કરી બતાવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે સૂર્ય જેવો કોઈ તારો તેના જીવનના અંતિમ તબક્કે પહોંચે છે અને તેના બાહ્ય સ્તરો અવકાશમાં ફેંકે છે, ત્યારે આવી નિહારિકાઓ (Nebula) બને છે. આ આયનાઇઝ્ડ આયર્ન એટલે કે લોખંડી ગેસનો પટ્ટો કેવી રીતે બન્યો તે હજુ એક કોયડો છે. એક ચોંકાવનારી શક્યતા એ પણ છે કે આ કોઈ ખડકાળ ગ્રહના અવશેષો હોઈ શકે છે, જે તારાની ગરમીમાં પીગળીને વાયુ સ્વરૂપમાં ફેરવાઈ ગયા હોય. જો આ સાચું હોય, તો તે આપણા માટે ચેતવણી સમાન છે કે અબજો વર્ષો પછી જ્યારે આપણો સૂર્ય મૃત્યુ પામશે, ત્યારે પૃથ્વીનું પણ કદાચ આવું જ લોખંડી બાષ્પમાં રૂપાંતર થઈ જશે.

આ સંશોધનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. રોજર વેસને જણાવ્યું હતું કે રિંગ નેબ્યુલાનો અભ્યાસ અગાઉ અનેકવાર થયો છે, પરંતુ નવી ટેકનોલોજીના કારણે આ પ્રથમવાર છે જ્યારે લોખંડનું આટલું સ્પષ્ટ માળખું જોવા મળ્યું છે. આ શોધ માત્ર રાસાયણિક લાક્ષણિકતાઓ જ નહીં, પરંતુ તારાવિશ્વોના જન્મ અને મરણની પ્રક્રિયા સમજવા માટે પણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. અવકાશમાં લટકતો આ લોખંડી 'બાર' આપણને એ યાદ અપાવે છે કે બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ કાયમી નથી, અને પૃથ્વીનું અંતિમ ભાગ્ય પણ આ જ રીતે કોઈ વિશાળ નિહારિકાનો ભાગ બનવાનું હોઈ શકે છે.

(11:22 AM IST)