News of Sunday, 15th February 2026
વિધાનસભા ચૂંટણી પૂર્વે વિપક્ષનો માસ્ટરસ્ટ્રોક : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા નોટિસ લાવવાની તૈયારી
મતદારયાદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે સરકાર પર દબાણ વધારવા રણનીતિ : લોકસભા સ્પીકર બાદ હવે CEC વિપક્ષના નિશાને : પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના પ્રાદેશિક પક્ષોમાં ભારે રોષ

નવી દિલ્હી : દેશના પાંચ રાજ્યોમાં એપ્રિલ-મે મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તારૂઢ ભાજપને ઘેરવા અને ચૂંટણી પંચ પર દબાણ લાવવા માટે વિપક્ષી ગઠબંધન હવે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ તેમને પદ પરથી હટાવવા માટેની નોટિસ લાવવાની ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. ખાસ કરીને 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) હેઠળ મતદારયાદીમાં કરવામાં આવેલા સુધારા મુદ્દે વિપક્ષી દળોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
બજેટ સત્રના બીજા તબક્કામાં હિલચાલની શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો વિપક્ષ આ નોટિસ સબમિટ કરશે, તો તે ૯ માર્ચથી શરૂ થતા બજેટ સત્રના બીજા તબક્કામાં આવશે. જોકે, આ પ્રક્રિયા માટે ૧૪ દિવસની પૂર્વ નોટિસની જરૂર હોય છે, જે તે સમયે ચૂંટણી પ્રચારની મધ્યમાં હોઈ શકે છે. અગાઉ વિપક્ષે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ પક્ષપાતી હોવાના આક્ષેપ સાથે નોટિસ આપી હતી, જેના કારણે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે આંતરિક મતભેદો પણ સપાટી પર આવ્યા હતા. હવે CEC વિરુદ્ધની આ ચાલ વિપક્ષી એકતા સાધવા માટેનું પણ એક માધ્યમ બની શકે તેમ છે.
બંગાળ અને યુપીમાં મતદારયાદી મુદ્દે વિવાદ
* પશ્ચિમ બંગાળ: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે આ પહેલને સમર્થન જાહેર કર્યું છે. TMC દ્વારા મતદારયાદીમાં સુધારાની પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે.
* ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટી (SP) એ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે મતદારોની સંખ્યા ૧૭ કરોડ હતી, જે SIR ડ્રાફ્ટમાં ઘટીને ૧૨.૫૫ કરોડ થઈ ગઈ છે. આશરે ૪.૫ કરોડ મતદારોના તફાવત મુદ્દે અખિલેશ યાદવની પાર્ટી એપ્રિલમાં અંતિમ યાદી પ્રસિદ્ધ થયા બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી કરી રહી છે.
સરકારને ઘેરવાની સંયુક્ત રણનીતિ
વિપક્ષી નેતાઓનું માનવું છે કે ચૂંટણી પૂર્વે CEC વિરુદ્ધ નોટિસ લાવવાથી મતદારોમાં મજબૂત સંદેશ જશે અને ચૂંટણી પંચ પર નિષ્પક્ષ રહીને કામ કરવાનું દબાણ વધશે. આ ઉપરાંત, ઈન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ, એપસ્ટેઈન ફાઈલ્સ વિવાદ અને જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત સંસ્મરણો જેવા મુદ્દે સરકાર પહેલેથી જ રક્ષણાત્મક સ્થિતિમાં છે, ત્યારે વિપક્ષ આ નવા મુદ્દા દ્વારા સરકાર વિરોધી નેરેટિવને વધુ ધારદાર બનાવવા માંગે છે.
જોકે, સંસદના બંને ગૃહોમાં સરકાર પાસે પૂરતું સંખ્યાબળ હોવાથી આ નોટિસ પસાર થવી મુશ્કેલ છે, પરંતુ વિપક્ષી દળો તેને નૈતિક લડાઈ અને ચૂંટણીલક્ષી રણનીતિ તરીકે જોઈ રહ્યા છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
