<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

આકાશમાં આતંકનો ફફડાટ: લિપસ્ટિકથી લખેલી ધમકીએ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું, મુસાફરોની શ્વાસ અધ્ધર

સિંગાપોર એરલાઈન્સ અને ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં બોમ્બની અફવાએ મચાવ્યો હડકંપ; હૈદરાબાદથી કોલકાતા સુધી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

હૈદરાબાદ/કોલકાતા: ભારતીય આકાશમાં અત્યારે ફ્લાઈટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો જાણે સિલસિલો શરૂ થયો છે, જેના કારણે હજારો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા છે. તાજેતરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં આસામના ડિબ્રુગઢથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે વિમાનના વોશરૂમમાંથી લિપસ્ટિક વડે લખેલી એક રહસ્યમય ધમકીભરી નોટ મળી આવી. પાયલટે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ આખા વિમાનને ઘેરી લઈને તપાસ હાથ ધરી હતી, જોકે સદનસીબે આ એક ખોટી અફવા સાબિત થઈ હતી.

બીજી તરફ, હૈદરાબાદ એરપોર્ટ પર પણ સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટ SQ 518 ને લઈને હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા જ એરપોર્ટ પર સુરક્ષા જવાનોનો કાફલો ખડકી દેવાયો હતો. તપાસના અંતે માલૂમ પડ્યું કે આ પાયાવિહોણી ધમકી પાછળ ૩૭ વર્ષીય એક માથાભારે મુસાફરનો હાથ હતો, જેની પોલીસે ત્વરિત ધરપકડ કરી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં એક પછી એક ત્રણ ફ્લાઈટ્સમાં મળેલી આ પ્રકારની ધમકીઓએ એવિએશન સેક્ટરની ઉંઘ ઉડાડી દીધી છે.

આ ઘટનાઓને પગલે હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય કડક મૂડમાં જ જણાઈ રહ્યું છે. વારંવાર મળી રહેલી ખોટી ધમકીઓને કારણે એરલાઈન્સ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને ફ્લાઈટ્સના શેડ્યૂલ ખોરવાઈ રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ હવે એ તપાસમાં લાગી છે કે શું આ કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ છે કે પછી માત્ર કોઈની નબળી મજાક. હાલમાં તમામ એરપોર્ટ પર સુરક્ષા તપાસ વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને મુસાફરોને સંપૂર્ણ તપાસ બાદ જ વિમાનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

(11:46 AM IST)