<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: આસમાને પહોંચેલા ભાવ 'તળિયે' બેઠા, કિંમતી ધાતુઓમાં મસમોટું ગાબડું

૪ લાખવાળી ચાંદી સીધી ૨.૪૪ લાખે પટકાઈ; સોનામાં પણ ૩૭ હજારનો તોતિંગ ઘટાડો થતા ખરીદદારો માટે 'ગોલ્ડન' તક

રાજકોટ/અમદાવાદ: ઝવેરી બજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજીના વળતા પાણી શરૂ થયા છે. કિંમતી ધાતુઓના ભાવમાં જાણે સુનામી આવી હોય તેમ ૨૯ જાન્યુઆરીએ સર્વોચ્ચ સપાટી પર પહોંચેલા ભાવમાં હવે મોટો કડાકો જોવા મળ્યો છે. રોકાણકારો જે સોના-ચાંદીને સલામત આશ્રયસ્થાન માનતા હતા, ત્યાં જ હવે ભાવ ઘટતા દોડધામ મચી ગઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલો ઘટાડો બજારના ઈતિહાસમાં સૌથી મોટા ઘટાડા પૈકીનો એક માનવામાં આવી રહ્યો છે. જે ચાંદી ૪.૨૦ લાખની સપાટી વટાવી ગઈ હતી, તે હવે સીધી ૨.૪૪ લાખના સ્તરે આવી પહોંચતા સટ્ટાખોરોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

માત્ર ચાંદી જ નહીં, પણ સોનાએ પણ રોકાણકારોના ખિસ્સા હળવા કર્યા છે. ૧.૯૩ લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચેલું સોનું તેના ઉચ્ચ સ્તરેથી ૩૭,૦૦૦ રૂપિયા જેટલું સસ્તું થઈને ૧.૫૬ લાખની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. બજારના જાણકારોના મતે, વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાયેલા આર્થિક સમીકરણોએ સોના-ચાંદીની ચમક ફીકી પાડી દીધી છે. ઉપરાંત, ભારતીય બજારમાં લગ્નસરાની સિઝન હોવા છતાં ઊંચા ભાવને કારણે નબળી પડેલી માંગને પગલે સ્થાનિક બજારમાં કિંમતો નીચે આવી છે.

સોની બજારના વેપારીઓનું કહેવું છે કે, આ ઘટાડાને કારણે સામાન્ય ગ્રાહકોમાં ફરીથી સોનું ખરીદવાનો ઉત્સાહ જાગ્યો છે. જોકે, જે રોકાણકારોએ ઉંચા ભાવે ખરીદી કરી હતી, તેમના માટે આ 'બ્લેક વીક' સાબિત થયું છે. આવનારા દિવસોમાં જો વૈશ્વિક તણાવ ઓછો થશે તો ભાવમાં હજુ પણ સ્થિરતા જોવા મળી શકે છે. હાલમાં તો ઘરેણાં બનાવવા માંગતા પરિવારો માટે આ એક સુવર્ણ તક સાબિત થઈ રહી છે, કારણ કે ભાવમાં આવેલો આ ઘટાડો લાંબા સમય બાદ જોવા મળ્યો છે.

(11:51 AM IST)