News of Sunday, 15th February 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં: સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ
ગાંધીનગર અને વડોદરાના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત: વડોદરામાં 'શિવજી કી સવારી' અને મહાઆરતીમાં જોડાશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પોતાના વતન ગુજરાતના પ્રવાસે છે. તેમના આ પ્રવાસ દરમિયાન રાજ્યને એક તરફ આધુનિક ટેકનોલોજીની ભેટ મળવા જઈ રહી છે, તો બીજી તરફ તેઓ મહાશિવરાત્રીના પવિત્ર પર્વે ભક્તિના રંગે રંગાશે. અમિત શાહ આજે ગાંધીનગર અને વડોદરામાં આયોજિત વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગાંધીનગરમાં ડિજિટલ કરન્સીનો પાયલોટ પ્રોજેક્ટ
આજની મુલાકાતનો પ્રારંભ ગાંધીનગરથી થશે. સવારે 11:00 કલાકે મહાત્મા મંદિર ખાતે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળશે. અહીં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) માં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) ના પાયલોટ પ્રોજેક્ટનો અમિત શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અમલી બનતા જ સરકારી વિતરણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવશે અને ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વેગ મળશે. ગાંધીનગર આ નવીન ટેકનોલોજીના અમલીકરણમાં પાયલોટ સમાન બનશે.
વડોદરામાં 'શિવજી કી સવારી' અને મહાઆરતી
ગાંધીનગરના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી વડોદરાની મુલાકાતે જશે. મહાશિવરાત્રીના આ પવિત્ર દિવસે વડોદરામાં દર વર્ષની જેમ પરંપરાગત 'શિવજી કી સવારી' અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6:45 કલાકે વડોદરાના સુપ્રસિદ્ધ સર્વેશ્વર મહાદેવ ખાતે અમિત શાહ ઉપસ્થિત રહેશે અને મહાઆરતીમાં સહભાગી થશે. શિવભક્તોની હાજરીમાં યોજાનારો આ કાર્યક્રમ શહેર માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
