News of Sunday, 15th February 2026
પાકિસ્તાની સેનાની દુનિયાભરમાં ફજેતી: BLA સામે સૈનિકોએ નાખ્યા હથિયાર, મુનીર-શાહબાઝના ગઢમાં ગાબડું
બલૂચિસ્તાનમાં સૈનિકોના સરેન્ડરની તસવીરો વાયરલ; ૭ દિવસમાં કેદીઓની અદલા-બદલી નહીં થાય તો 'મોત'ની સજાનું BLAનું હચમચાવતું અલ્ટીમેટમ

કરાંચી/ક્વેટા: પાકિસ્તાની સેનાના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સામે પાકિસ્તાની સેનાના ૭ જવાનોએ ઘૂંટણીએ પડીને શરણાગતિ સ્વીકારી લેતા આર્મી ચીફ અસીમ મુનીર અને પીએમ શાહબાઝ શરીફની સરકાર વૈશ્વિક સ્તરે શર્મશાર થઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં પાકિસ્તાની સૈનિકો લાચાર હાલતમાં BLAના લડાકૂઓ સામે બેઠેલા જોવા મળે છે. BLAએ આ સૈનિકોને 'યુદ્ધકેદી' ગણાવીને પાકિસ્તાન સરકાર સામે સીધો પડકાર ફેંક્યો છે.
BLAના પ્રવક્તાએ આ ઘટના બાદ પાકિસ્તાન સરકારને માત્ર ૭ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમની સ્પષ્ટ માગ છે કે જો પાકિસ્તાની જેલોમાં બંધ બલૂચ રાજકીય કેદીઓ અને 'ગૂમ થયેલા' (Enforced Disappearances) વ્યક્તિઓને છોડવામાં નહીં આવે, તો આ સાતેય સૈનિકોને 'બલૂચ નેશનલ કોર્ટ'માં ટ્રાયલ બાદ મોતની સજા આપવામાં આવશે. આ ઘટનાએ પાકિસ્તાની સેનાની મજબૂતીના દાવાઓની પોલ ખોલી નાખી છે. બલૂચ લડાકૂઓનો આરોપ છે કે પાકિસ્તાની સેના દાયકાઓથી બલૂચિસ્તાનના પ્રાકૃતિક સંસાધનોની લૂંટ કરી રહી છે અને સામાન્ય લોકો પર અત્યાચાર ગુજારી રહી છે.
આ અગાઉ પણ ૨૦૨૫માં જાફર એક્સપ્રેસ હાઇજેક દરમિયાન BLAએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. હાલમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૬માં BLA દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન હેરોફ ૨.૦' હેઠળ બલૂચિસ્તાનના ૧૪થી વધુ શહેરો પર હુમલા કરવામાં આવ્યા છે, જેમાં ૮૦થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાના દાવા કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકાર અત્યારે મજબૂરીમાં આવી ગઈ છે, કારણ કે જો તેઓ બદલો લેવાની કોશિશ કરે તો બંધક સૈનિકોના જીવ જાય તેમ છે અને જો માગણી સ્વીકારે તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની નબળાઈ સાબિત થાય તેમ છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
