News of Sunday, 15th February 2026
દિલ્હી-એનસીઆરમાં હવામાન પલટાશે: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ વરસાદની આગાહી: નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થઈ રહ્યું છે
મહાશિવરાત્રી પર વાતાવરણ સ્વચ્છ રહ્યું પણ હવે ગરમીમાં રાહત મળશે: ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા: ૧૮ ફેબ્રુઆરી બાદ ફરીથી સવારના સમયે ધુમ્મસ જોવા મળી શકે છે

ઉત્તર ભારતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) ના લેટેસ્ટ અપડેટ મુજબ, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (એનસીઆર) માં આગામી બે દિવસમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થઈ રહ્યું હોવાથી દિલ્હીવાસીઓને ફેબ્રુઆરીમાં જ અનુભવાઈ રહેલી ગરમીમાંથી કામચલાઉ રાહત મળશે અને વરસાદી માહોલ જોવા મળશે.
રવિવાર અને મહાશિવરાત્રીના દિવસે દિલ્હીનું હવામાન મોટાભાગે સાફ રહ્યું હતું અને તાપમાન ૨૭ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતા ૨ થી ૪ ડિગ્રી વધુ હતું. જેના કારણે લોકોને ફેબ્રુઆરીમાં જ માર્ચ-એપ્રિલ જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. જોકે, પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા ૧૦ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનોએ ગરમીને થોડા અંશે નિયંત્રણમાં રાખી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારની રાતથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસર મંગળવાર અને બુધવાર (૧૭ અને ૧૮ ફેબ્રુઆરી) ના રોજ જોવા મળશે.
આ બે દિવસ દરમિયાન દિલ્હીના આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. વરસાદની સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. આ વરસાદી સિસ્ટમ પસાર થયા બાદ ફરીથી આકાશ સાફ થશે અને તાપમાનમાં વધારો થવાની વકી છે.
આગામી ૭ દિવસના ફોરકાસ્ટ મુજબ, લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૧.૬ ડિગ્રીથી લઈને ૫.૦ ડિગ્રી સુધી વધુ રહેવાની શક્યતા છે.
૧૮ ફેબ્રુઆરી બાદ ફરીથી સવારના સમયે ધુમ્મસ જોવા મળી શકે છે. આમ, દિલ્હીવાસીઓએ આગામી અઠવાડિયે મિશ્ર હવામાનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
