News of Sunday, 15th February 2026
નાઈજીરિયામાં આતંકવાદીઓનો લોહિયાળ ખેલ: અંધાધૂંધ ગોળીબારમાં ૩૦ થી વધુ લોકોની હત્યા
બાઈક પર આવેલા હુમલાખોરોએ ગામોમાં તબાહી મચાવી: અનેકના ગળા કાપી નાખવામાં આવ્યા, ઘરોને આગ લગાડી અપહરણ કરાયા

પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજીરિયામાં ફરી એકવાર માનવતા શર્મસાર થઈ છે. નાઈજર રાજ્યના બોરગુ વિસ્તારમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો પર કાળો કેર વર્તાવ્યો છે. બાઈક પર આવેલા હથિયારધારીઓએ ત્રણ ગામો પર હુમલો કરી ૩૦ થી વધુ લોકોની ઘાતકી હત્યા કરી છે. હુમલાખોરોએ લૂંટફાટ અને ખંડણી માટે અનેક ગ્રામજનોનું અપહરણ પણ કર્યું છે.
મળતી માહિતી મુજબ, આ હૃદયદ્રાવક ઘટના શનિવાર, ૧૪ ફેબ્રુઆરીના રોજ બની હતી. અત્યાધુનિક હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ સૌથી પહેલા તુંગા-મેકેરી ગામને નિશાન બનાવ્યું હતું, જ્યાં તેઓએ ઘરોને આગ ચાંપી દીધી હતી અને ૬ લોકોની હત્યા કરી હતી. ત્યારબાદ તેઓએ કોંકોસો ગામમાં પ્રવેશ કરી સૌથી વધુ તબાહી મચાવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ નરસંહાર એટલો ભયાનક હતો કે અનેક લોકોના ગળા કાપી નાખવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૩૦ થી વધુ મૃતદેહો મળી આવ્યા છે, અને અનેક લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જે સમયે આ હુમલો થયો ત્યારે ત્યાં સુરક્ષા કર્મચારીઓની સંખ્યા ઓછી હતી, જેના કારણે આતંકીઓ બેફામ બની ગયા હતા. નાઈજીરિયાના આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આઈએસઆઈએલ (આઈએસઆઈએસ) સંલગ્ન જૂથો અને સ્થાનિક સશસ્ત્ર ગેંગનો આતંક વધ્યો છે. આ ગેંગ મુખ્યત્વે ખંડણી વસૂલવા માટે અપહરણ અને લૂંટફાટ કરતી હોય છે. નાઈજર રાજ્યના પોલીસ પ્રવક્તા વાસિયુ અબીઓડુને જણાવ્યું છે કે સુરક્ષા એજન્સીઓ હાલ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
