News of Sunday, 15th February 2026
સાયબર માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક: હવે પાસપોર્ટ વિના નહીં ચાલે ઈન્ટરનેશનલ રોમિંગ, સરકારનો માસ્ટર પ્લાન તૈયાર
વિદેશથી થતી 'ડિજિટલ ધરપકડ' અને છેતરપિંડી રોકવા પાસપોર્ટ-સિમ લિંકિંગ ફરજિયાત; ₹૫૪,૦૦૦ કરોડની લૂંટ અટકાવવા CBI અને ગૃહ મંત્રાલયનો આકરો મિજાજ

નવી દિલ્હી/રાજકોટ: ભારતમાં રોકેટ ગતિએ વધી રહેલા સાયબર ફ્રોડ અને 'ડિજિટલ એરેસ્ટ' જેવી ઘટનાઓ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે હવે અત્યાર સુધીનું સૌથી મોટું શસ્ત્ર ઉગામ્યું છે. નવી દિલ્હીથી મળતા અહેવાલો મુજબ, હવે આંતરરાષ્ટ્રીય રોમિંગ સેવાઓ મેળવવા માટે 'પાસપોર્ટ' હોવો અનિવાર્ય બની જશે. ભારત સરકાર, CBI અને I4C (ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર) સાથે મળીને એક એવો પ્લાન અમલમાં મૂકી રહી છે, જેમાં તમારું સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ સીધા તમારા પાસપોર્ટ અને બાયોમેટ્રિક્સ સાથે લિંક હશે. આનો અર્થ એ છે કે પાસપોર્ટ વગર વિદેશી ધરતી પર ભારતીય સિમ કાર્ડથી કોલ કરવો કે ઓપરેટ કરવું અશક્ય બની જશે.
આ આકરા નિયમ પાછળનું મુખ્ય કારણ વિદેશમાં બેસીને ભારતીયોને નિશાન બનાવતી સાયબર ગેંગ્સ છે. આંકડાઓ ચોંકાવનારા છે—ભારતમાં દર ૩૭ સેકન્ડે કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો શિકાર બને છે અને અત્યાર સુધીમાં ભારતીયોએ અંદાજે ₹૫૪,૦૦૦ કરોડ ગુમાવ્યા છે. ગુનેગારો ભારતીય સિમ કાર્ડ વિદેશ લઈ જઈને ઈન્ટરનેશનલ રોમિંગ દ્વારા ફ્રોડ કોલ્સ કરતા હતા, પરંતુ હવે પાસપોર્ટ લિંકિંગને કારણે તેમનું લોકેશન અને ઓળખ છુપાવવી અશક્ય બનશે. વધુમાં, બેંકોને પણ સૂચના આપવામાં આવી છે કે શંકાસ્પદ ખાતાઓ (Mule Accounts) માટે KYC પ્રક્રિયામાં બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવે.
સરકાર માત્ર સિમ કાર્ડ જ નહીં, પણ VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) દ્વારા વિદેશથી ભારતીય બેંક ખાતા એક્સેસ કરવા પર પણ કડક વોચ રાખશે. આ ડિજિટલ કિલ્લેબંધીનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકની મહેનતની કમાણીને સુરક્ષિત કરવાનો છે. જો કોઈ વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી, તો તે આંતરરાષ્ટ્રીય સ્તરની આ ટેલિકોમ સુવિધાઓનો લાભ મેળવી શકશે નહીં. આ માસ્ટર પ્લાન લાગુ થયા બાદ સાયબર ગુનેગારોના નેટવર્કને જડમૂળથી ઉખેડી શકાશે તેવી આશા ગૃહ મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
