<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ગાંધીનગરથી ડિજિટલ ક્રાંતિનો શંખનાદ: અમિત શાહે કરાવ્યો 'અનાજ ATM' અને ડિજિટલ કરન્સીનો પ્રારંભ

રેશનિંગ વ્યવસ્થામાં હાઇટેક પરિવર્તન; હવે ગરીબોને રાત્રે ૧૨ વાગ્યે પણ મળશે અનાજ અને વિદેશથી થશે રિયલ-ટાઇમ મોનિટરિંગ

ગાંધીનગર: ગુજરાતની ધરતી પરથી આજે અન્ન સુરક્ષા અને ટેકનોલોજીના સમન્વયનો એક નવો ઇતિહાસ લખાયો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાને હાઇટેક બનાવતા 'અનાજ ATM' અને 'સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી' (CBDC) પ્રોજેક્ટનો ગૌરવપૂર્ણ શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રેશનિંગના જથ્થામાં થતી ગેરરીતિઓ રોકવા માટે એક અત્યાધુનિક ડિજિટલ કવચ તૈયાર કરવામાં આવ્યું છે. હવે ગરીબોના હકનું અનાજ સગેવગે કરનારા તત્વો પર ટેકનોલોજીની બાજ નજર રહેશે.

આ નવી વ્યવસ્થાની સૌથી ચોંકાવનારી અને આધુનિક ખાસિયત 'અનાજ ATM' છે. બેંકના ATMની જેમ જ હવે લાભાર્થીઓ માત્ર કાર્ડ સ્વાઇપ કરીને દિવસ કે રાતના ગમે તે સમયે પોતાનું અનાજ મેળવી શકશે. ભાવનગરમાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ હવે તેને રાજ્યવ્યાપી બનાવવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, અગાઉ અનાજ ઓછું મળવાની ફરિયાદો રહેતી હતી, પરંતુ હવે પેકેજ્ડ ફોર્મેટમાં વિતરણ થવાથી એક ગ્રામની પણ ઘટ આવશે નહીં. એટલું જ નહીં, આગામી સમયમાં ટેકનોલોજી એટલી આગળ વધશે કે લાભાર્થીઓના ઘરે સીધું પેકેજ્ડ અનાજ પહોંચાડવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

ટેકનોલોજીના આ પ્રકલ્પમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નવી સિસ્ટમ એટલી સચોટ છે કે કયા લાભાર્થીએ કેટલું અનાજ લીધું તેનું મોનિટરિંગ વિદેશમાં બેસીને પણ રિયલ-ટાઇમમાં કરી શકાશે. અમિત શાહે આ પગલાને 'ગરીબ કલ્યાણ' ક્ષેત્રે ક્રાંતિકારી ગણાવ્યું હતું. ટેકનોલોજી જે અત્યાર સુધી માત્ર ધનિકો માટે મર્યાદિત હતી, તેને મોદી સરકાર હવે ગરીબોના ઘર સુધી લઈ ગઈ છે. આ ડિજિટલ વિતરણ વ્યવસ્થાથી રેશનિંગ કાર્ડધારકોને હવે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે અને સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક, આધુનિક અને ભ્રષ્ટાચારમુક્ત બનશે.

(1:21 PM IST)