<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

બાગેશ્વર ધામમાં ભક્તિ અને લગ્નનો અનોખો સંગમ: ૩૦૦ કન્યાઓના લગ્નમાં સાત સમુદ્ર પારથી આવશે મહેમાનો

મહાશિવરાત્રીના પર્વે ધીરેન્દ્ર શાસ્ત્રીના સાનિધ્યમાં રચાશે ઈતિહાસ; ૯ દેશોના રાજદૂતો અને બોલિવૂડ સિતારાઓ આપશે હાજરી

છતરપુર:મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલા સુપ્રસિદ્ધ બાગેશ્વર ધામ ખાતે આજે 'શહેનાઈ'ના સૂરો ગુંજી ઉઠશે. મહાશિવરાત્રીના પરમ પવિત્ર પર્વે પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નેતૃત્વમાં ૭મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં ૩૦૦ જરૂરિયાતમંદ કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે. ખાસ વાત એ છે કે આ મહોત્સવમાં માત્ર ભારત જ નહીં, પરંતુ આર્જેન્ટિના, ચિલી, ઉરુગ્વે અને દક્ષિણ આફ્રિકા સહિત ૯ દેશોના રાજદૂતો ખાસ હાજરી આપી રહ્યા છે, જે આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ ગયો છે.

ગતરોજ આયોજિત હલ્દી અને મહેંદી સમારોહમાં ભાજપના સાંસદ અને ગાયક મનોજ તિવારીએ પત્ની સાથે પહોંચીને દીકરીઓને મહેંદી લગાવી વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. આ આયોજનમાં આધ્યાત્મિક જગતના દિગ્ગજો જેવા કે જગદગુરુ રામભદ્રાચાર્ય જી મહારાજ અને અનિરુદ્ધાચાર્ય જી પણ નવયુગલોને આશીર્વાદ આપવા પધારશે. મનોરંજન જગતના જાણીતા ગાયકો જુબિન નૌટિયાલ અને વિશાલ મિશ્રા પણ પોતાની પ્રસ્તુતિથી આ ઉત્સવમાં ચાર ચાંદ લગાવશે.

સરકાર અને ધામ દ્વારા સુરક્ષાની ચાંપતી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારોની મેદની વચ્ચે જ્યારે ૩૦૦ યુગલો એકસાથે ફેરા ફરશે, ત્યારે બાગેશ્વર ધામમાં માત્ર ભક્તિ જ નહીં પણ માનવતાનો એક અનોખો મહારાજ્ય જોવા મળશે. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા સહિત અનેક વીવીઆઈપી મહેમાનોની હાજરીને કારણે સમગ્ર છતરપુર પંથક અત્યારે છાવણીમાં ફેરવાઈ ગયો છે.

(2:55 PM IST)