News of Sunday, 15th February 2026
સનાતન ધર્મમાં નવો ઈતિહાસ: ભારતને મળશે પ્રથમ 'ટ્રાન્સજેન્ડર શંકરાચાર્ય', ભોપાલમાં ભવ્ય રાજ્યાભિષેક
મહાશિવરાત્રીના પર્વે કાજલ ઠાકુરનું થશે તિલક; ૨૦૦ ટ્રાન્સજેન્ડર્સની 'ઘર વાપસી' અને જૂથવાદ વચ્ચે હાઈ-વોલ્ટેજ ડ્રામા

ભોપાલ:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ આજે એક અભૂતપૂર્વ ધાર્મિક ક્રાંતિની સાક્ષી બનવા જઈ રહી છે. લાલઘાટી વિસ્તારમાં આવેલા મેરેજ ગાર્ડનમાં સવારે ૧૦ વાગ્યાથી આયોજિત એક ભવ્ય સમારોહમાં કાજલ ઠાકુરને દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર શંકરાચાર્ય તરીકે જાહેર કરવામાં આવશે. ટ્રાન્સજેન્ડર અખાડા દ્વારા લેવાયેલો આ નિર્ણય સનાતન ધર્મમાં આ સમુદાયની આધ્યાત્મિક ઓળખ સ્થાપિત કરવા માટેનો સૌથી મોટો માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે દેશભરમાંથી મહામંડલેશ્વરો અને સંતો ભોપાલમાં એકઠા થયા છે.
આ કાર્યક્રમ માત્ર રાજ્યાભિષેક પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેને 'ધાર્મિક શુદ્ધિકરણ' અને 'ઘર વાપસી' સાથે પણ જોડવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, લગભગ ૨૦૦ જેટલા ટ્રાન્સજેન્ડર્સ આજે વિધિવત રીતે સનાતન ધર્મમાં પુનઃ પ્રવેશ કરશે. આ ઉપરાંત, વિવિધ રાજ્યોના ૧૦ અગ્રણી ટ્રાન્સજેન્ડર સંતોને 'મહામંડલેશ્વર'ની પદવી એનાયત કરવામાં આવશે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત અનેક હિન્દુ સંતોની હાજરી આ કાર્યક્રમને વધુ પ્રતિષ્ઠા અપાવશે.
જોકે, આ ભવ્યતાની સાથે તણાવના વાદળો પણ છવાયેલા છે. ભોપાલમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના બે જૂથો વચ્ચે છેલ્લા ઘણા સમયથી 'સર્વોપરિતા'નો જંગ ચાલી રહ્યો છે. સુરૈયા નાયક અને દેવી રાનીનું જૂથ આ રાજ્યાભિષેકનો વિરોધ કરી શકે તેવી ભીતિને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક તરફ 'ટ્રાન્સજેન્ડર જેહાદ'ના મુદ્દા પર ચર્ચા ગરમાઈ છે, ત્યારે બીજી તરફ આ અખાડો સનાતનની ધ્વજા લહેરાવવા સજ્જ છે. હવે જોવાનું એ રહેશે કે આ ઐતિહાસિક ડગલું ટ્રાન્સજેન્ડર સમુદાયને સમાજમાં નવી દિશા આપે છે કે વિવાદોનું નવું કેન્દ્ર બને છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
