<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

બાબા કેદારના સાદનો ગુંજારવ: ૨૨ એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ, ભક્તો માટે નોંધી લો શુભ મુહૂર્ત

વૃષભ લગ્નમાં બાબાના દ્વાર ખુલતા જ ચારધામ યાત્રાનો થશે પ્રારંભ; બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટની તારીખ પણ જાહેર

નવી દિલ્હી:હિમાલયના પહાડોમાં બિરાજમાન ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ ધામના કપાટ ખુલવાની સત્તાવાર જાહેરાત થતા જ વિશ્વભરના શિવભક્તોમાં આનંદની લહેર દોડી ગઈ છે. શિયાળુ બેઠક એવા ઓમકારેશ્વર મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના બાદ જાહેર કરવામાં આવ્યું છે કે, આગામી ૨૨ એપ્રિલના રોજ સવારે ૮:૦૦ વાગ્યે શુભ વૃષભ લગ્ન દરમિયાન કેદારનાથ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. આ સાથે જ ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ થશે.

પરંપરા મુજબ, આ વર્ષે ટી. ગંગાધર લિંગ બાબા કેદારના મુખ્ય પૂજારી તરીકે સેવા આપશે. કેદારનાથના દ્વાર ખુલ્યાના બરાબર ૨૪ કલાક બાદ એટલે કે ૨૩ એપ્રિલે સવારે ૬:૧૫ વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ પણ બ્રહ્મમુહૂર્તમાં ખોલવામાં આવશે. અક્ષય તૃતીયાના પાવન પર્વે એટલે કે ૧૯ એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખુલશે, જોકે તેના ચોક્કસ સમયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

સરકાર અને વહીવટીતંત્રે આ વર્ષે લાખો ભક્તો ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રસ્તાના સમારકામ અને સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો છે. હોટલો અને ધર્મશાળાઓમાં એડવાન્સ બુકિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બાબાના ભક્તો અત્યારથી જ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે જેથી તેઓ હિમાલયની આ કઠિન પણ પરમ શાંતિ આપનારી યાત્રામાં સહભાગી થઈ શકે. ૬ મહિનાના વિરામ બાદ ફરી એકવાર પહાડોમાં 'હર હર મહાદેવ'નો નાદ ગુંજી ઉઠશે.

(3:12 PM IST)