News of Sunday, 15th February 2026
ચિતાની ભસ્મ અને સળગતી લાશો વચ્ચે નૃત્ય: કાશીની ગણિકાઓ કેમ રમે છે 'મોતની હોળી'? જાણો મસાનનાથની અઘોરી પરંપરા
મણિકર્ણિકા ઘાટ પર રંગોને બદલે રાખની વર્ષા; નરક સમાન જીવનમાંથી મુક્તિ મેળવવા 'નાગર વધૂઓ' આપે છે કલાની આહુતિ

વારાણસી: જ્યાં દુનિયાભરમાં હોળી એટલે અબીલ-ગુલાલ અને આનંદનો પર્વ છે, ત્યાં કાશીના મણિકર્ણિકા ઘાટ પર એક એવી હોળી રમાય છે જે જોઈને પથ્થર દિલના માણસની પણ કાયા ધ્રૂજી ઉઠે. આગામી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ મહાદેવની નગરી કાશીમાં 'મસાન હોળી' ઉજવાશે. આ દિવસે સ્મશાનની સળગતી ચિતાઓ વચ્ચે રાખથી હોળી રમવામાં આવે છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આ ભયાનક વાતાવરણમાં કાશીની ગણિકાઓ (નાગર વધૂઓ) આખી રાત નૃત્ય કરે છે. આ કોઈ મનોરંજન નથી, પણ ભગવાન શિવના ચરણોમાં આપેલી એક આર્તનાદ છે, જેથી તેમને આ કલંકિત જીવનમાંથી મુક્તિ મળે અને આવતા જન્મમાં આવું જીવન ન જીવવું પડે.
પૌરાણિક કથા મુજબ, રંગભરી એકાદશી પર મહાદેવ માતા પાર્વતી સાથે હોળી રમે છે, પરંતુ તેમના અતિપ્રિય એવા ભૂત-પ્રેત, પિશાચ અને અઘોરીઓ આ સામાજિક ઉત્સવમાં ભાગ લઈ શકતા નથી. પોતાના આ અનોખા ભક્તોને રીઝવવા માટે મહાદેવ સ્વયં મણિકર્ણિકા ઘાટ પર આવે છે અને ચિતાની ગરમ ભસ્મથી તેમની સાથે હોળી રમે છે. જીવન અને મૃત્યુના સંગમ સમાન આ ઘાટ પર જ્યારે એક તરફ લાશો બળતી હોય છે, ત્યારે બીજી તરફ ડમરુના નાદ સાથે ભક્તો રાખ ઉડાડીને 'મસાનનાથ'ના ગુણગાન ગાય છે.
આ પરંપરા એ વાતની સાક્ષી છે કે મહાદેવના દરબારમાં કોઈ અછૂત નથી. મણિકર્ણિકાના સ્મશાનમાં ગણિકાઓનું નૃત્ય એ શરણાગતિનું પ્રતીક છે. તેઓ માને છે કે શિવ જ એકમાત્ર એવા દેવ છે જે તેમને સ્વીકારે છે. ચિતાની રાખ જ્યારે હવામાં ઉડે છે ત્યારે તે જીવનની ક્ષણભંગુરતાનો સંદેશ આપે છે. કાશીની આ 'ભસ્મ હોળી' આજે વિશ્વભરના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ અને આશ્ચર્યનું કેન્દ્ર બની છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
