News of Sunday, 15th February 2026
રાજકારણના 'સહ્યાદ્રિ' સ્વસ્થ: હોસ્પિટલમાંથી શરદ પવારને મળ્યો ડિસ્ચાર્જ, 'ચાણક્ય' ફરી એક્શન મોડમાં આવવા સજ્જ
છાતીમાં ઇન્ફેક્શન બાદ ૬ દિવસની સારવાર પૂરી કરી રુબી હોસ્પિટલથી ઘરે પરત ફર્યા; ડોક્ટરોએ હજુ થોડા દિવસ આરામની આપી સલાહ

પુણે: મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને NCP-SP ના સર્વોચ્ચ નેતા શરદ પવારના લાખો સમર્થકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગત ૯ ફેબ્રુઆરીએ છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ પુણેની રુબી હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૮૫ વર્ષીય શરદ પવારની તબિયતમાં નોંધપાત્ર સુધારો થતા ગઈકાલે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે તેમના ચહેરા પરની સ્મિતે સમર્થકોમાં નવો ઉત્સાહ ભરી દીધો છે. જોકે, ડોક્ટરોએ તેમને હાલમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવા અને સંપૂર્ણ આરામ કરવા સૂચના આપી છે.
તેમના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળેએ પિતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા જણાવ્યું હતું કે, "પવાર સાહેબ હવે એકદમ સ્વસ્થ છે, પરંતુ ડોક્ટરોની સલાહ મુજબ તેઓ આગામી ૩ થી ૪ દિવસ પુણેના નિવાસ્થાને આરામ કરશે. ત્યારબાદ જ તેઓ મુંબઈ પરત ફરશે અને પોતાના રોજિંદા રાજકીય કાર્યક્રમોમાં જોડાશે." પવારના નિકટના સાથી વિઠ્ઠલ મણિયારે પણ પુષ્ટિ કરી છે કે દવાનો કોર્સ પૂરો થયા બાદ જ તેઓ સક્રિય રાજકારણના મેદાનમાં પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે, શરદ પવારની નાદુરસ્ત તબિયતના સમાચાર વાયુવેગે ફેલાતા જ રાજ્યભરના નેતાઓએ તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. હવે જ્યારે 'મહારાષ્ટ્રના ચાણક્ય' હોસ્પિટલમાંથી બહાર આવી ગયા છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યના રાજકીય સમીકરણો પર તેમની અસર ફરી જોવા મળશે. હાલમાં તેઓ પરિવાર સાથે પુણેમાં સમય વિતાવી રહ્યા છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
