<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

એલિયન્સના અસ્તિત્વ અંગે વિશ્વભરમાં ફરી ચર્ચા : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નિવેદન વાયુવેગે થયું વાયરલ

એરિયા 51 થી લઈને ગુપ્ત સરકારી મિશન સુધીના પ્રશ્નો વચ્ચે ઓબામાએ જે રીતે મૌન તોડ્યું છે, તે ખરેખર કોઈ મોટો સંકેત છે કે માત્ર એક મજાક?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બ્રાયન ટાયલર કોહેનના પોડકાસ્ટમાં એલિયન્સ વિશે ખુલીને વાત કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું એલિયન્સ વાસ્તવિક છે? ત્યારે ઓબામાએ ચોંકાવનારો જવાબ આપતા કહ્યું કે, "તેઓ વાસ્તવિક છે, પરંતુ મેં તેમને જોયા નથી." આ નિવેદન બાદ ઈન્ટરનેટ પર ચર્ચા જાગી છે કે શું ઓબામાએ પરગ્રહવાસીઓના અસ્તિત્વની પુષ્ટિ કરી દીધી છે?

પોડકાસ્ટ દરમિયાન ઓબામાએ સ્પષ્ટ કર્યું હતું કે એલિયન્સ કોઈ એરિયા 51 જેવી જગ્યાએ છુપાયેલા નથી. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમને કોઈ ગુપ્ત એલિયન બેઝ અથવા ક્રેશ થયેલા UFO વિશેની જાણકારી મળી નહોતી. જોકે, બ્રહ્માંડની વિશાળતા જોતા તેઓ જીવનની શક્યતાને નકારતા નથી. 'ન્યૂયોર્ક પોસ્ટ' અને 'ઈન્ડિપેન્ડન્ટ'  જેવા મીડિયા અહેવાલોએ આ નિવેદનને ગંભીરતાને બદલે માત્ર એક રમુજ ગણાવ્યું છે.

ઓબામાના આ નિવેદન સાથે જ 2015ના 'જિમી કિમેલ લાઈવ' શોની એક ક્લિપ ફરી વાયરલ થઈ રહી છે. જેમાં ઓબામાએ મજાકમાં કહ્યું હતું કે એલિયન્સ આપણને કંટ્રોલ કરે છે અને તેઓ તેમના રહસ્યો ખોલવા દેશે નહીં. જોકે, આ બધું જ હળવા અંદાજમાં કહેવામાં આવ્યું હતું, જેને હવે લોકો ગંભીરતાથી જોઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એવી પણ થિયરીઓ ચાલી રહી છે કે ઓબામા જાણીજોઈને ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) ચીડવી રહ્યા છે. અહેવાલો મુજબ, ટ્રમ્પ જુલાઈ 2026માં એલિયન ડિસ્ક્લોઝર પર મોટું ભાષણ આપવાના છે. આ સ્થિતિમાં ઓબામાના આ નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

(6:23 PM IST)