News of Sunday, 15th February 2026
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુનના લગ્નની જામનગરમાં શરણાઈઓ વાગી : મહેમાનોનું આગમન શરૂ : જુઓ વિડીયો
૫ માર્ચ ૨૦૨૬ના રોજ અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોક પ્રભુતામાં પગલાં પાડશે : PM નરેન્દ્રભાઈ મોદી સહિતના રાજકીય નેતાઓને આમંત્રણ : અંબાણી પરિવારના યજમાનપદે યોજાનારા ભવ્ય સમારોહમાં અનેક સેલિબ્રિટીઓ અને દિગ્ગજો હાજરી આપશે

જામનગર : જામનગરની ધરા ફરી એકવાર ભવ્ય સેલિબ્રિટી વેડિંગની સાક્ષી બનવા જઈ રહી છે. ક્રિકેટ જગતના મહાનાયક સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોકના લગ્ન પ્રસંગની પૂર્વતૈયારીઓ અને ઉત્સવનો રંગારંગ પ્રારંભ જામનગરમાં થઈ ચૂક્યો છે. રવિવારે જામનગર એરપોર્ટ પર સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે ઉતરાણ કરતા જ જામનગરમાં લગ્નનો માહોલ જામ્યો છે.
૫ માર્ચે શાહી લગ્ન, ૩ માર્ચથી વિધિઓ શરૂ:
અર્જુન અને સાનિયાના લગ્ન આગામી ૫ માર્ચ ૨૦૨૬ના રોજ નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યારે લગ્ન પૂર્વેની વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિઓનો પ્રારંભ ૩ માર્ચથી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૫માં આ જોડીની સગાઈ અત્યંત સાદગીપૂર્ણ રીતે પરિવારની હાજરીમાં યોજાઈ હતી, પરંતુ હવે જામનગર ખાતે યોજાનાર આ લગ્ન સમારોહ અત્યંત વૈભવી અને શાહી અંદાજમાં યોજાશે.
દિગ્ગજ મહેમાનોની માવજત અને આગમન:
જામનગર એરપોર્ટ પર રવિવારે સચિન તેંડુલકર અને તેમના પરિવારની સાથે ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ પણ પહોંચ્યા હતા. અહેવાલો મુજબ, આ ભવ્ય લગ્ન પ્રસંગના આયોજનમાં અંબાણી પરિવાર યજમાન તરીકે વિશેષ સહયોગ આપી રહ્યો છે. આગામી દિવસોમાં રમતગમત, બોલિવૂડ અને બિઝનેસ જગતના અનેક દિગ્ગજો જામનગર પધારે તેવી શક્યતા છે.
નરેન્દ્રભાઈ મોદી સહિતના રાજકીય નેતાઓને આમંત્રણ:
તેંડુલકર પરિવારે આ લગ્ન પ્રસંગને ખાસ બનાવવા માટે દેશના ટોચના રાજકીય નેતાઓને વ્યક્તિગત રીતે મળીને આમંત્રણ પાઠવ્યું છે. ૧૦ ફેબ્રુઆરીના રોજ સચિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી તેમને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પણ આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
જામનગર હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરના આ ભવ્ય લગ્ન મહોત્સવ માટે સજ્જ બન્યું છે અને સુરક્ષાથી લઈને મહેમાનગતિ સુધીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
