<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

દિલ્હીમાં 'AIનો મહાકુંભ': પીએમ મોદી ભારત મંડપમથી દુનિયાને બતાવશે ભારતની ડિજિટલ તાકાત

70,000 ચોરસ મીટરમાં ફેલાયેલા 'ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પો 2026'નું ઉદ્ઘાટન: 13 દેશોના પેવેલિયન, 600 સ્ટાર્ટઅપ્સ અને 25 લાખ મુલાકાતીઓ સાથે રચાશે નવો ઈતિહાસ : જ્યારે ટેકનોલોજી સામાન્ય માણસની જીવાદોરી બનશે

નવી દિલ્હી:  ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વના નકશા પર ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ચમકવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યે ભારત મંડપમ ખાતે 'ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પો 2026'નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. 16 થી 20 ફેબ્રુઆરી સુધી ચાલનારો આ એક્સ્પો માત્ર પ્રદર્શન નથી, પણ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) કેવી રીતે સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન લાવી શકે છે તેનું જીવંત ઉદાહરણ બનશે. 70,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ મેળામાં ટેકનોલોજી, નીતિ અને નવીનતાનો એવો સંગમ જોવા મળશે જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી.

આ એક્સ્પોની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં રશિયા, ફ્રાન્સ, યુકે અને જાપાન સહિત 13 દેશોના ખાસ પેવેલિયન હશે, જે વૈશ્વિક સહયોગની નવી ગાથા લખશે. 'લોકો, ગ્રહ અને સમૃદ્ધિ'ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં 600 થી વધુ ઉચ્ચ-સંભવિત સ્ટાર્ટઅપ્સ પોતાના એવા આઈડિયા રજૂ કરશે જે સીધા જ સામાન્ય જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવશે. પાંચ દિવસ દરમિયાન યોજાનારા 500 થી વધુ સત્રોમાં વિશ્વભરના 3,250 વક્તાઓ મંથન કરશે કે કેવી રીતે AI ને માનવજાતના કલ્યાણ માટે વધુ સુરક્ષિત અને અસરકારક બનાવી શકાય.

આયોજકોને અપેક્ષા છે કે આ એક્સ્પોમાં 25 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટી પડશે, જે તેને વિશ્વના સૌથી મોટા ટેકનોલોજી ઇવેન્ટ્સમાંનું એક બનાવશે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી દિગ્ગજ કંપનીઓથી લઈને ભારતના નાના ગામડાઓમાંથી આવેલા યુવા ઉદ્યોગ સાહસિકો અહીં એક જ મંચ પર જોવા મળશે. પીએમ મોદીના વિઝન મુજબ, આ એક્સ્પો ભારતને 'ગ્લોબલ AI હબ' બનાવવાની દિશામાં એક નિર્ણાયક કદમ સાબિત થશે, જ્યાં ટેકનોલોજી માત્ર ભદ્ર વર્ગ પૂરતી સીમિત ન રહેતા દરેક ભારતીયના હાથમાં પહોંચશે.?

(7:12 PM IST)