તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Sunday, 15th February 2026
બાંગ્લાદેશમાં લોકશાહીના નામે લોહીયાળ રમત: ચૂંટણી જીતતા જ જમાત-એ-ઇસ્લામીના ગઢમાં કાલી મંદિર પર હુમલો
નીલફામારીમાં વિજય સરઘસ વચ્ચે પ્રાચીન મંદિરની મૂર્તિઓ ખંડિત કરી : સરહદી જિલ્લાઓની 51 બેઠકો પર કટ્ટરપંથીઓના વર્ચસ્વથી હિન્દુઓમાં ફફડાટ : અનેક પરિવારોએ સ્થળાંતર કરવાની નોબત આવી

ઢાકા: બાંગ્લાદેશની 13મી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ વિજેતા પક્ષોના જશ્ન વચ્ચે લઘુમતી હિન્દુ સમુદાય માટે કાળી રાત શરૂ થઈ ગઈ છે. નીલફામારી જિલ્લાના ખોક્ષબારી ગામમાં આવેલા ઐતિહાસિક કાલી મંદિર પર કટ્ટરપંથી તત્વોએ હુમલો કરી મૂર્તિઓની તોડફોડ કરી હતી. આ એ જ જિલ્લો છે જ્યાં જમાત-એ-ઇસ્લામીએ ક્લીન સ્વીપ કરીને તમામ ચારેય બેઠકો જીતી લીધી છે. ચૂંટણી પરિણામો પછી તરત જ મંદિરમાં ઘૂસેલા ટોળાએ ગર્ભગૃહને નુકસાન પહોંચાડ્યું અને પરિસરમાં આગ લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઉજ્જડ બનેલા પૂજા સ્થળની તસવીરોએ સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.
જમાત-એ-ઇસ્લામીએ આ વખતે ઐતિહાસિક પ્રદર્શન કરીને 76 બેઠકો કબજે કરી છે, જેમાંથી ભારતની સરહદને અડીને આવેલા જિલ્લાઓની 51 બેઠકોનો સમાવેશ થાય છે. આ આંકડો ભારતીય સરહદ પર વસતા હિન્દુઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. જમાત-એ-ઇસ્લામીના ઉમેદવાર ઓબેદુલ્લાહ સલાફીની જીત બાદ નીલફામારી-3 વિસ્તારમાં હિન્દુ પરિવારોમાં ભારે અસુરક્ષાની ભાવના જોવા મળી રહી છે. ઘણા સ્થાનિક હિન્દુઓનું કહેવું છે કે ચૂંટણી જીત્યા બાદ અસામાજિક તત્વો ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે અને મિલકતો હડપવાના કાવતરાં ઘડાઈ રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે અનેક પરિવારો જીવ બચાવવા પડોશી વિસ્તારોમાં આશ્રય લેવા મજબૂર બન્યા છે.
બાંગ્લાદેશના કુલ વસ્તીના આશરે 8 થી 12 ટકા હિસ્સો ધરાવતા હિન્દુ સમુદાય પરનો આ હુમલો નવી બનનારી સરકાર માટે એક એસિડ ટેસ્ટ સમાન છે. BNP ના નેતૃત્વ હેઠળની સરકાર જ્યારે સત્તા સંભાળવાની તૈયારી કરી રહી છે, ત્યારે આ પ્રકારની સાંપ્રદાયિક હિંસા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરાબ કરી શકે છે. નીલફામારીની આ ઘટના એ વાતનું પ્રમાણ છે કે રાજકીય પરિવર્તનના ઓઠા હેઠળ કટ્ટરપંથી જૂથો ફરી સક્રિય થયા છે. જો તારિક રહેમાનની નવી સરકાર તાત્કાલિક ધોરણે લઘુમતી સંરક્ષણ અને મંદિરના પુનઃસ્થાપન માટે કડક પગલાં નહીં ભરે, તો ભયનું આ વાતાવરણ આખા દેશમાં ફેલાઈ શકે છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
