<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સાડાચાર હજારની જનસંખ્‍યાવાળા ગામમાં ચાર મહિનામાં સાડાત્રણ હજાર જન્‍મનોંધણી!

યુઝર આઈડીનો પાસવર્ડ બિહારથી ‘હેક' કરી આ ઘાલમેલ કરાયાનું તપાસમાં સ્‍પષ્ટ

છત્રપતિ સંભાજીનગર,તા.૧૬: છત્રપતિ સંભાજીનગર જિલ્‍લાના સોયગાવ તાલુકામાં પરપ્રાંતીયોની ૩,૪૪૮ બોગસ જન્‍મનોંધણી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પાલિકાના પોર્ટલના પાસવર્ડને છેક બિહારથી ‘હેક' કરીને આ ઘાલમેલ કરવામાં આવી હોવાની આંચકાજનક માહિતી સામે આવી હતી.

સોયગાવની જનસંખ્‍યા સાડાચાર હજારની છે ત્‍યારે છેલ્‍લા ચાર મહિનામાં સાડાત્રણ હજાર જન્‍મનોંધણી બોગસ થઈ હોવાની માહિતીથી ચકચાર મચી હતી. રાજ્‍યના આરોગ્‍ય સંબંધી માહિતી અને જન્‍મ-મૃત્‍યુ વિભાગના સંચાલકના આદેશ અનુસાર આ નોંધણી રદ કરવાની સૂચના આપવામાં આવી છે.

છત્રપતિ સંભાજીનગર જિલ્‍લામાં બાંગ્‍લાદેશી નાગરિકોની જન્‍મ-મૃત્‍યુની બોગસ નોંધ કરવામાં આવી હોવાનો આક્ષેપો થયા હતા. આક્ષેપોને પગલે તપાસ માટે જિલ્‍લાધિકારી પણ ગામમાં આવ્‍યા હતા.

સોયગાવ તાલુકાની મોહળાઈ ગ્રામપંચાયત હેઠળ બે ગામ મોહળાઈ અને પિપ્રી અંતુર આવે છે. ગ્રામપંચાયતનું મુખ્‍યાલય મોહળાઈ ખાતે છે. ગ્રામપંચાયતના સીઆરએસ પોર્ટલના યુઝર આઈડી દ્વારા પિપ્રી અંતુર ગામમાં પહેલી એપ્રિલ, ૨૦૨૫થી બીજી ઑગસ્‍ટ, ૨૦૨૫ સુધીમાં જન્‍મની ૩,૪૪૮ અને મૃત્‍યુની આઠ નોંધણી કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.

જોકે તે સમયે જાણવા મળ્‍યું હતું કે સંબંધિત યુઝર આઈડી ઉપયોગમાં લેવાતો જ નથી. તો પછી આટલી નોંધણી કઈ રીતે થઈ તેની તપાસ કરવામાં આવી હતી.

જિલ્‍લા આરોગ્‍ય અધિકારી કાર્યાલયના નિષ્‍ણાતો દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતાં સંબંધિત યુઝર આઈડીનો પાસવર્ડ બિહારની એક વ્‍યક્‍તિએ ‘હેક' કરીને આ કૃત્‍ય કર્યું હોવાનું સામે આવ્‍યું હતું. આ મામલે પોલીસમાં ગુનો નોંધાવી સઘન તપાસના આદેશ અપાયા હતા.

(9:57 AM IST)