<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

૫૮ વર્ષ સુધી સાથે રહ્યા પછી છૂટાછેડા માટે પતિ-પત્‍નીએ કરી અરજી

રાજસ્‍થાન હાઈકોર્ટે એક મહત્‍વનો ચુકાદો આપતાં ૭૫ વર્ષથી વધુ ઉંમરના એક વૃદ્ધ દંપતીના ૫૮ વર્ષ જૂના લગ્નજીવનને તોડવાની મંજૂરી આપવાનો સ્‍પષ્ટ ઇનકાર કરી દીધો : કોર્ટે કહ્યું કે લગ્નજીવનમાં નાની-મોટી તકરારો તો સામાન્‍ય છે, તેને ક્રૂરતા ગણીને છૂટાછેડા આપી શકાય નહીં

જયપુર તા.૧૬: રાજસ્‍થાન હાઈકોર્ટે એક મહત્‍વનો ચુકાદો આપતાં ૭૫ વર્ષથી વધુ ઉંમરના એક વૃદ્ધ દંપતીના ૫૮ વર્ષ જૂના લગ્નજીવનને તોડવાની મંજૂરી આપવાનો સ્‍પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે લગ્નજીવનમાં નાની-મોટી તકરારો તો સામાન્‍ય છે, તેને ક્રૂરતા ગણીને છૂટાછેડા આપી શકાય નહીં.

જસ્‍ટિસ સુદેશ બંસલ અને જસ્‍ટિસ અનિલ કુમાર ઉપમનની ડિવિઝન બેન્‍ચે ભરતપુરની ફેમિલી કોર્ટના આદેશ સામે પતિએ કરેલી અપીલને ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્‍યું કે આ દંપતીએ ૨૯ જૂન, ૧૯૬૭ના રોજ લગ્ન કર્યા હતા અને ૨૦૧૩ સુધી એટલે કે ૪૬ વર્ષ સુધી કોઈ ફરિયાદ વગર સાથે રહ્યા હતા. ૨૬ મે, ૨૦૧૪ના રોજ પતિએ છૂટાછેડાની અરજી કરી હતી.

પતિનો દાવો હતો કે, પત્‍નીએ ૨૦૧૪માં તેમની સામે દહેજની ખોટી FIR નોંધાવી હતી, જેમાં તેઓ નિર્દોષ સાબિત થયા હતા અને આનાથી તેમનું ઘણું અપમાન થયું હતું. તેમણે એમ પણ કહ્યું કે, પત્‍ની મિલકતને મોટા પુત્રના નામે ટ્રાન્‍સફર કરવા માગે છે, જ્‍યારે તેઓ બંને પુત્રોમાં સમાન વહેંચણી કરવા માંગે છે. આ ઉપરાંત પત્‍ની બીજીસ્ત્રી સાથે સંબંધના આરોપો લગાવે છે.

બીજી તરફ પત્‍નીએ કોર્ટમાં જણાવ્‍યું કે, પતિ પરિવારની સંપત્તિને વેડફી રહ્યા છે અને નાના ભાઈની વાતમાં આવીને છૂટાછેડા માગી રહ્યા છે. તેમણે તેમના પતિ પર બીજી ષીને રૂમમાં બોલાવવાનો અને તેની સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્‍યો હતો, જેના કારણે વિવાદ થયો અને તેમણે FIR કરી હતી. મિલકત વિશે તેમણે કહ્યું કે, તે તેમણે પોતાની જાતે ખરીદી હતી.

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ કહ્યું કે, દાયકાઓથી સાથે રહેલા દંપતીમાં માનસિક સહનશીલતા અને સમજણ વધારે હોવી જોઈએ. સંપત્તિના વિવાદથી પરિવારમાં તણાવ આવી શકે છે, પરંતુ તે છૂટાછેડા આપવા માટે પૂરતું કારણ નથી. જો આ સ્‍તરે છૂટાછેડા આપવામાં આવે તો માત્ર પત્‍ની જ નહીં, સમગ્ર પરિવારની પ્રતિષ્ઠા અને માન પણ જોખમમાં મુકાઈ જશે.

આ ચુકાદાએ એક વખત ફરી બતાવ્‍યું કે લાંબા સમયના લગ્નજીવનમાં નાની-મોટી તકરારો થાય તે સ્‍વાભાવિક છે અને તેને ક્રૂરતા ગણીને સંબંધ તોડવો યોગ્‍ય નથી. કોર્ટે પતિની અપીલ નકારીને ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખ્‍યો છે.

(10:20 AM IST)